જાહેરનામાનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરાશે: મ્યુનિ.કમિશનર
પવિત્ર શ્રાવણ માસનો આગામી સોમવારથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસના પાંચ સોમવાર અને જન્માષ્ટમીના તહેવાર નિમિતે કત્તલખાના બંધ રાખવા તથા માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોરેજ પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
કોર્પોરેશન દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા આ જાહેરનામામાં શ્રાવણ માસના સોમવાર 9 ઓગષ્ટ, 16 ઓગષ્ટ, 23 ઓગષ્ટ, 6 સપ્ટેમ્બર તથા 30 ઓગષ્ટ એટલે કે, જન્માષ્ટમીના દિવસે કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કત્તલખાના બંધ રાખવા અને માંસ, મટન કે મચ્છી તેમજ ચીકનનું વેંચાણ અને સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ મ્યુનિ.કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરાવવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જીપીએમસી એક્ટ 1949 અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.