રાજયના શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને શિબિર યોજાશે: રાજકોટના શૈલેષ સગપરીયા યુવાઓને પ્રેરણા વ્યાખ્યાન આપશે
ભારત દેશ એ યુવાનોનો દેશ છે. ભારત દેશના તત્વદર્શી ઋષિઓની વાણી છે કે, ‘માનવ જીવનથી અમૂલ્ય, મહાન અને શ્રેષ્ઠ આ સંસારમાં બીજુ કંઈ નથી. ‘માનવ જીવનનું યથાર્થ મૂલ્ય એ જ કરી શકે છે જે તેની ગરિમાથી પરિચિત હોય. માનવ જીવનની વિવિધ અવસ્થાઓમાં પણ ‘યુવાવસ્થા’ સૌથી અમૂલ્ય છે. વ્યકિત આત્મગૌરવ અને માનવ જીવનની ગરીમાથી અપરિચિત હોવાથી પોતાના સામર્થ્યને વેડફી નાખે છે અને હાથ ધસતા આ દુનિયામાંથી ચાલ્યા જાય છે માટે જીવન ગમે તેમ પુરુ કરવાને બદલે તેના સ્વ‚પ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે તે આવશ્યક છે. આ વિચારને ફળીભૂત કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ‘યુવા જાગૃતિ શિબિર: જીવન અમૂલ્ય છે’ શિબિરનું આયોજન આગામી તા.૧૦ સપ્ટેમ્બરને રવિવારના રોજ એન.એફ.ડી.ડી.હોલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે.
આ શિબિર થકી યુવાનોને પોતાનામાં રહેલી સુશુપ્ત શકિતઓ બહાર લાવે અને પોતાની પ્રતિભા સિદ્ધ કરવા માટેની પ્રેરણા તેમજ માર્ગદર્શ પ્રાપ્ત થાય અને શિક્ષણની સાથે યુવાનો પોતાનામાં રહેલી પ્રતિભા, કળા વિકસાવે અને સમાજ અને રાષ્ટ્રમાં વિકાસના કામમાં અગ્રેસર રહે અને સારા નાગરિક તરીકે ભારતનું નામ ઉજાગર કરે એ માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
આ યુવા શિબિરમાં અધ્યક્ષસ્થાને ગુજરાત રાજયના મહેસુલ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ સ્પીપા, રાજકોટના ડાયરેકટર શૈલેષ સગપરીયા ઉપસ્થિત રહી યુવાનોને માર્ગદર્શન આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા.૧૦ સપ્ટેમ્બરના રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે યોજાનાર શિબિરને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો, સંલગ્ન કોલેજના આચાર્યો, સેનેટ સભ્યો, પ્રાધ્યાપકો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ કાર્યરત છે.