શહીદો અને સૈનિકોના સન્માનમાં ફરતી મશાલ 8મીએ દ્વારકા પહોંચશે
રણમલ તળાવ ખાતે 31-ઇન્ફન્ટ્રી બ્રિગેડ દ્વારા આયોજીત સમારોહમાં દેશભરમાં ફરીને તા.16 ડીસેમ્બરે દિલ્હીના શહિદ સ્મારક ખાતે પહોંચનારી વિજય મશાલનું લાલ જાજમ પાથરીને માનભેર સ્વાગત કરાયું હતું. જામનગરથી તા.8ના રોજ વિજય મશાલ દ્વારકા પહોંચશે.પાકિસ્તાન સાથે વર્ષ 1971માં જમીન, પાણી અને આકાશી મોરચે થયેલી લડાઇમાં ભારતની જીત સાથે બાંગ્લાદેશનું સર્જન થયું હતું.
આ યુધ્ધને 50 વર્ષ થયા હોવાથી રાષ્ટ્રના તમામ લશ્કરી સંસ્થાનોમાં સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે આ લડાઇના શહિદ વીરો અને લડાઇ લડનારા સૈનિકોના માનમાં દેશભરના લશ્કરી મથકોને આવરી લેતી વિજય મશાલ ધ્રાંગધ્રાથી જામનગર લાવવામાં આવી હતી. જે રણમલ તળાવ પરિસરમાં જામ રણજીની પ્રતિમા સામે ગોઠવવામાં આવેલા સમારોહ સ્થળ ખાતે જામનગરના મીલીટરી સ્ટેશનમાં રહેલી 31-ઇન્ફન્ટ્રી બ્રિગેડના કમાન્ડરને માનભેર સોંપવામાં આવી હતી.
આ કાર્યક્રમ જોવા સંખ્યાબંધ શહેરીજનો એકઠા થયા હતાં. ઉલ્લેખનિય છે કે, બાંગ્લાદેશને જન્મ આપનારી 1971ની લડાઇ 1971માં ત્રીજી ડીસેમ્બરે પાકિસ્તાનના હવાઇ હુમલા સાથે ચાલુ થઇ હતી અને માત્ર 14 દિવસમાં ભારે હવા, જમીન અને પાણી મોરચે પાીકસ્તાનને પછડાટ આપી હતી. આ યુધ્ધમાં જનરલ માણેકશાની કુનેહ ભરી યુધ્ધ નિતિથી પુર્વ મોરચે ભારતની જીત થતાં તા.16 ડીસેમ્બરના રોજ યુધ્ધ પુરૂ થઇ ગયું હતું. જેમાં પાકિસ્તાનના 92 હજાર સૈનિકોએ ભારતની શરણાગતિ સ્વીકારી હતી.