સેન્સેકસમાં 219 અને નિફટીમાં 51 પોઈન્ટનો ઉછાળો: અમેરિકી ડોલર સામે રૂપિયો ફલેટ
ભારતીય શેરબજારમાં આજે પણ તેજીનો તોખાર જોવા મળ્યો હતો સતત ત્રીજા દિવસે સેન્સેકસ અને નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. આજે બજાર રેડ ઝોનમાં ખુલ્યા બાદ રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર જારી રાખતા ફરી બજારમાં તેજી પાછી વળી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ફલેટ જોવા મળ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ રોજ નવી સપાટી હાસલ કરી રહ્યાં છે. આજે સવારે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા હતા. છેલ્લા બે દિવસથી ચાલી આવતી તેજી પર આજે જાણે બ્રેક લાગી હોય તેવું મહેસુસ થઈ રહ્યું હતું પરંતુ રોકાણકારોએ તેજીની ચાલને પારખી ખરીદીનો દૌર ચાલુ રાખતા માર્કેટ ફરી તેજીના ટ્રેક પર આવી ગયું હતું. આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસે 54230 પોઈન્ટની નીચલી સપાટી હાસલ કરી હતી. જ્યારે 54717 પોઈન્ટનો નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો હતો. બજારમાં આજે 487 પોઈન્ટની અફરા-તફરી જોવા મળી હતી. નિફટીએ આજે ઈન્ટ્રા-ડેમાં 16210 પોઈન્ટની નીચલી સપાટીએ પહોંચી હતી અને 16349 પોઈન્ટનો સર્વોચ્ચ આંક હાસલ કર્યો હતો.
બેંક નિફટી અને મિડકેપ નિફટી રેડ ઝોનમાં કામકાજ કરતા નજરે પડ્યા હતા. આજની તેજીમાં ભારતી એરટેલ, આઈસર મોટર, આઈટીસી અને એચસીએલ ટેક જેવી કંપનીના શેરોના ભાવમાં અઢીથી પાંચ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એસબીઆઈ, ઈન્ડુસીન્ડ બેંકના ભાવમાં 3 ટકા સુધીનો ઘટાડો દેખાયો હતો. બુલીયન બજારમાં પણ મંદી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફલેટ રહેવા પામ્યો છે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 219 પોઈન્ટના ઉછાળા સાથે 54589 અને નિફટી 51 પોઈન્ટના ઉછાળા સાતે 16310 પર કામકાજ કરી રહ્યાં છે.