વાવાઝોડામાં મકાનમાં થયેલા નુકશાન માટે સરકારી સહાય અપાવી દેવાનું કહી સાવરકુંડલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેનના પતિ સામે દુષ્કર્મ આચર્યાનો નોંધાતો ગુનો
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની વિધવા મહિલાના મકાનને તાઉતે વાવાઝોડામાં નુકસાન થયું હતું. તાલુકા પંચાયતના સભ્યના પતિ અને સરપંચે મહિલાને મકાન સહાય અપાવી દેવાની લાલચ આપી ગત સાંજે તેના ઘરમા ઘુસી એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યુ હતુ.બાદ ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થયો છે જેથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની એક વિધવા મહિલાએ ગામના પ્રફુલ લાભુભાઇ વેકરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે તારીખ 2 ઓગસ્ટની સાંજે સાડા આઠેક વાગ્યે તે ઘરે હતા. ત્યારે પ્રફુલ વેકરિયા તેના ઘરમા આવ્યો હતો અને વાવાઝોડામા તમારા મકાનને જે નુકસાન થયુ છે તે અંગે તમને સહાય અપાવી દઇશ તેવી વાત કરી હતી. આ સમયે મહિલાનો પુત્ર નોકરી પર ગયો હતો ઘરમાં મહિલાને એકલી જોઈને પ્રફુલ વેકરિયાએ દુષ્કર્મ આચર્યુ હતુ.
મહિલાના પતિનુ સાત વર્ષ પહેલા અવસાન થયું હતું. બનાવના દિવસે તે દાડીએ ગઇ હતી અને સાંજે ઘરે પરત આવી ત્યારે પ્રફુલ વેકરિયા તેમના ઘરે આવ્યો હતો. વેકરિયાએ કહ્યું કે હું કાલે સાવરકુંડલા જઈશ ત્યારે તમારી સહાયનું જોવડાવી લઈશ તેમ કહી તે મહિલાની નજીક આવી ગયો હતો. ડરી ગયેલી મહિલા દોડીને પોતાના રૂમમા જતી રહી હતી.
જેથી પ્રફુલ તેની પાછળ તેના રૂમમાં પહોંચી ગયો અને દુષ્કર્મ આચર્યુ હતુ. જેથી મહિલાની તબિયત લથડતા તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાદ એક દિવસ સુધી મહિલાએ પરિવારને આ ઘટના અંગે વાત કરી ન હતી પરંતુ બાદમા પુત્રને આ અંગે વાત થતા તેને સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પ્રફુલ વેકરીયાના પત્ની તાલુકા પંચાયતના સભ્ય અને કારોબારી સમિતીના ચેરમેન પણ છે. તેના પત્ની અગાઉ ગામના સરપંચ પણ હતા.