રાજકોટમાં 40 કેન્દ્રો પર 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કોરોનાની બીજી ઘાતક લહેરના કારણે વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા ન લેવા અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ માટે ગુજકેટની લેવાતી પરીક્ષા ઓફલાઇન લેવા નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં આગામી 6 ઓગસ્ટના રોજ લેવાનાર આ પરીક્ષા માટે પ્રશ્નપત્રો પણ દરેક સેન્ટર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 6 ઓગસ્ટથી 40 બિલ્ડીંગ પર 8900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આગામી 6 ઓગસ્ટના રોજ રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પરીક્ષા વિભાગ દ્વારા રાજ્યના તમામ સેન્ટર પર પ્રશ્નપત્ર પહોંચાડી દેવામાં આવ્યા છે. ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અલગ અલગ 40 બિલ્ડીંગ પર 8900 વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા લેવાની હોવાથી પ્રશ્નપત્ર રાજકોટ મોકલી દેવામાં આવ્યા છે અને આ પ્રશ્નપત્ર કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે. જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે.