પોર્ટુગલ સાથેની સંધી અનુસાર અબુ સાલેમને ૨૫ વર્ષથી વધુ જેલમાં રાખી શકાય નહીં
૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઈને શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટથી હચમચાવી દેનાર ગમખ્વાર કેસમાં ગઈકાલે ટાડા અદાલતે તાહેર મરચન્ટ અને ફિરોઝ ખાનને ફાંસી જયારે ડોન અબુ સાલેમ અને કરીમુલ્લા ખાનને આજીવન કેદની સજા ફટકારી હતી. અલબત અબુ સાલમને કારાવાસમાં આજીવન રહેવું નહીં પડે. ભારતની મજબૂરી છે કે, પોર્ટુગલથી અબુ સાલેમને પ્રત્યાપર્ય થયું ત્યારે સંધી મુજબ ફાંસીની કે ૨૫ વર્ષથી વધુની કેદ ફટકારી શકાય નહીં.
કોર્ટે અબુ સાલેમને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ભારતીય કાનૂન મુજબ આજીવન કારાવાસ એટલે મૃત્યુ સુધીની જેલ જો કે સંધી અનુસાર ભારત અબુ સાલેમને ૨૫ વર્ષથી વધુની સજા ફટકારી શકે નહીં. બીજી તરફ સાલેમે કોર્ટને દલીલ કરી હતી કે, તેણે પોર્ટુગલની જેલમાં કાપેલી ત્રણ વર્ષની સજાને પણ આજીવન કારાવાસની સજામાંથી બાદ કરવામાં આવે જો કે કોર્ટે આ દલીલને ફગાવી હતી. પોર્ટુગલ જેલની સજા તો નકલી પાસપોર્ટના ગુનામાં પડી હોવાનું કોર્ટે કહ્યું હતું.
૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટ કેસમાં ૭ આરોપીઓ સામે આ બીજો ખટલો હતો. ટાડા કોર્ટના સ્પેશ્યલ જજ જી.એ.સનાપે ચુકાદો આપતા કહ્યું હતું કે, ૧૯૯૨માં થયેલા રમખાણો બાદ દોષીતોએ એકઠા થઈ ભારત સરકાર અને હિન્દુ સમુદાય સામે બદલો લેવા કાવતરુ ઘડયું હતું. આ સાતેય આરોપીને પ્રત્યાર્પણ દ્વારા ભારતમાં લવાયા હોવાથી તેના કેસની સુનાવણી મુખ્ય કેસથી અલગ કરાઈ હતી.