રાજકોટ-કાલાવડ રોડ પર વાજડી પાસે એસટી બસ અને કાર સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ભાવી તબીબના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. બે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ટાયર ફાટવાના કારણે કાર ડીવાઇડર કુદી સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા જીવલેણ અકસ્માત સજાર્યો હતો. જેસીબીની મદદ લઇ કારમાં ફસાયેલા ત્રણેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
જેસીબીની મદદથી કારમાંથી ત્રણેય મૃતદેહને બહાર કઢાયા
હોમિયોપેથી કોલેજના ભાવી ડોકટરો ખિરસરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ કરી પરત આવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
ટાયર ફાટતા કાર ડીવાઇડર કુદી સામેથી આવતી રાજકોટ-કાલાવડ રૂટની એસટી બસ સાથે ધડાકાભેર અથડાય
અકસ્માતના પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામ થતા પોલીસે મહામહેનતે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત રાજકોટ ખાતે આવેલી પારૂલ યુનિર્વસિટીમાં હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના ગૌસ્વામી આદર્શ, દાવડા નિશાંત, ઘાંગધરીયા ફોરમ, ગીલાણી સીમરન અને કૃપાલી ગજ્જર રાજકોટથી ખિરસરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ કરવા માટે જી.જે.3કેસી. 8475 નંબરની હોન્ડાની એમેજ કાર લઇને ગયા હતા.
પાંચેય મેડીકલના વિદ્યાર્થીઓ ખિરસરાથી રાજકોટ પરત આવી રહ્યા હતા ત્યારે વાજડી પાસે બાલાજી વેફરના યુનિટ પાસે કાર પહોચી ત્યારે ટાયર ફાટતા કાર પલ્ટી ખાઇ રોંગ સાઇડમાં ઘસી ગઇ હતી ત્યારે જ પુર ઝડપે ઘસી આવેલી જી.જે.18ઝેડ. 4594 નંબરની રાજકોટ-કાલાવડ રૂટની એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો.
અકસ્માતમાં કારમાં બેઠેલા ગૌસ્વામી આદર્શ, દાવડા નિશાંત અને ધાંગધરીયા ફોરમના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. જ્યારે ગીલાણી સીમરન અને ગજ્જર કૃપાલી ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારને જેસીબીની મદદથી દુર ખેચી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે ટ્રાફિક જામ થતા લોધિકા ઇન્ચાર્જ પી.આઇ. કે.કે.જાડેજા અને પી.એસ.આઇ. કે.એ.જાડેજા સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.