અબતક, હૈદરાબાદ
તેલંગણામાં આર્થિક પછાતનું માપદંડ અપનાવવામાં આવ્યું છે. જેમાં વાર્ષિક રૂ. 8 લાખથી ઓછી આવક વાળાને આર્થિક પછાતનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્ય સરકારની નોકરીમાં આર્થિક પછાત વર્ગની વય મર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
વાર્ષિક રૂ.8 લાખથી ઓછી આવક વાળાને આર્થિક પછાતનો લાભ મળશે
તેલંગણામાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં વાર્ષિક રૂ. 8 લાખથી ઓછી આવક વાળાને આર્થિક પછાતનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે ઇડબ્લ્યુએસ કેટેગરી હેઠળ રાજ્ય સરકારની નોકરીઓ માટે વયમર્યાદામાં પાંચ વર્ષનો વધારો કર્યો છે. રાજ્ય સરકારે 8 ફેબ્રુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓ અને રાજ્ય સરકારની નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામત આપવાના આદેશો કેન્દ્રને અનુરૂપ જારી કર્યા હતા.
રાજ્ય સરકારની નોકરીમાં આર્થિક પછાત વર્ગની વય મર્યાદામાં પાંચ વર્ષનો વધારો પણ કરાયો
કેબિનેટે 15 ઓગસ્ટથી રૂ. 50,000 સુધીની ખેતીની લોન માફ કરવાનો નિર્ણય કર્યો છે અને જે કવાયતથી છ લાખ ખેડૂતોને ફાયદો થશે. અને તે મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે.આ ઉપરાંત કેબિનેટે આરોગ્ય સચિવને એવા બાળકોની વિગતો એકત્રિત કરવા કહ્યું કે જેમણે કોરોનાના કારણે તેમના બંને માતા-પિતા ગુમાવ્યા છે. કેબિનેટે તેલંગાણા અને અન્ય કેટલાક રાજ્યોમાં રોગચાળાની સ્થિતિ અંગે રસીકરણ, હોસ્પિટલોમાં સુવિધાઓ અને સંબંધિત માળખાગત સુવિધાઓ અંગે ચર્ચા કરી.
મંત્રીમંડળે રાજ્યમાં પાંચ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોની સ્થાપના અંગેની વિગતો પર પણ ચર્ચા કરી.તેનું નામ તેલંગાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાખવામાં આવશે. તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.