સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 39 પૈકી 38 દરખાસ્તોને બહાલી: રૂા.15.47 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં 39 પૈકી 38 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. આવાસ યોજનાનો કોન્ટ્રાકટ આપવાની અગાઉ બે વખત પરત રાખવામાં આવેલી દરખાસ્ત ધાર્યા કરતા બમણી આવક થવાનો અંદાજ દેખાતા રિ-ટેન્ડરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાસક પક્ષના નેતા, ફાયર એન્ડ ઈમરજન્સી સમીતીના ચેરમેન અને ચીફ ફાયર ઓફિસરના ઉપયોગ માટે અડધા કરોડના ખર્ચે 3 નવી નકોર ગાડી લેવાની દરખાસ્તને હસ્તા મોઢે બહાલી આપવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં 38 દરખાસ્તોને બહાલી આપી રૂા.15.47 કરોડના વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ અંતર્ગત શહેરના પોપટપરા વિસ્તારમાં 698 ફલેટ ભાડે આપવા માટેનો કોન્ટ્રાકટ બેંગ્લોરની ઈરીના હોસ્પિટાલીટી પ્રા.લી.ને આપવાની દરખાસ્ત હતી જેમાં ભાડાની આવકમાંથી એજન્સી દ્વારા કોર્પોરેશનને 857 રૂપિયા આપવાનું જણાવવામાં આવ્યું હતું. રાજ્યના અન્ય શહેરોમાં આવાસ કોન્ટ્રાકટમાં બમણુ ભાડુ અપાતું હોય તેવું અભ્યાસના અંતે ફલીત થયું છે. જેના કારણે અગાઉ બે વખત અભ્યાસ અર્થે પેન્ડીંગ રખાયા બાદ રિ-ટેન્ડરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શાસક પક્ષના નેતા માટે રૂા.21.12 લાખના ખર્ચે ઈનોવા કાર, ફાયર એન્ડ ઈમરજન્સી સમીતીના ચેરમેનના ઉપયોગ માટે રૂા.11.81 લાખના ખર્ચે મહિન્દ્રા મરાજો કાર તથા ચીફ ફાયર ઓફિસરના ઉપયોગ માટે રૂા.14.64 લાખના ખર્ચે નવી સ્કોર્પિયો કાર ખરીદ કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. મહાપાલિકાની બાંધકામ શાખાના વર્તમાન મહેકમમાં નવી 4 એડિશ્નલ સિટી એન્જિનીયરની જગ્યા ઉપસ્થિત કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે. જ્યારે 15 સાઈટ પર પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટ મંજૂર કરવામાં આવી છે. કોરોના મહામારી સંદર્ભે આરોગ્ય તંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ જગ્યાઓ માન્ય આઉટ સોર્સીંગ એજન્સી મારફત ભરવામાં આવી છે જેની મુદત 1 મહિનો લંબાવવામાં આવ્યો છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં 39 પૈકી 38 દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.
ડ્રેનેજની, મેઈન હોલ અને વેલગેટની સફાઈ માટે આધુનિક મશીનરી વસાવાશે
સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ અંતર્ગત ડ્રેનેજ શાખાના ભૂગર્ભ ગટર મેઈન હોલ કે વેલગેટની સફાઈ મશીન દ્વારા કરવા માટે અલગ અલગ મશીનરીની ખરીદી કરવા સ્ટેન્ડિંગ કમીટીમાં રૂા.1.18 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં હાલ મહાનગરપાલિકા પાસે 12 હજાર લીટરની ક્ષમતા ધરાવતા હાઈડ્રો જેટીંગના 2 મશીન છે. વધુ 1 મશીનની ખરીદી કરવામાં આવશે જ્યારે ડિસેલ્ટીંગ 30 મશીનો છે જે 9 મશીનો ખુબજ જૂના થઈ ગયા હોય તેના સ્થાને નવા મશીનની ખરીદી કરવામાં આવશે. જ્યારે પ્રથમવાર પાવર લોડીંગ મશીનની ખરીદી કરાશે જે 500 થી લઈ 900 એમએમની ડ્રેનેજ લાઈન સાફ કરવા મદદરૂપ થશે. ટૂંકમાં ડ્રેનેજની લાઈન સફાઈ કરતી વેળાએ સફાઈ કામદારો પર વધુ જોખમ રહેતું હોય જોખમી કામગીરી માણસને બદલે મશીન પાસે કરાવવાનો નિર્ણય લેવાયો છે.
સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કોર્પોરેશનને રૂા.294 કરોડની ગ્રાન્ટ મળશે
સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2021-22માં રાજકોટ મહાનગરપાલિકાને રૂા.293.84 કરોડની ગ્રાન્ટ મળવા પાત્ર થશે. આ ગ્રાન્ટ માટે આજે કમિશનર દ્વારા સુચવવામાં આવેલા વિવિધ કામોને સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જે હવે રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા તબક્કાવાર કોર્પોરેશનની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. દર વર્ષે ગ્રાન્ટ મેળવવા માટે અલગ અલગ કામોના ખર્ચનો અંદાજ સાથેનો ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલવામાં આવે છે.
પ્રભાદેવી લાઈબ્રેરી શિફટીંગ બાદ હવે નવા રંગરૂપ ધારણ કરશે
શહેરના પ્રહલાદ પ્લોટ શેરી નં.34માં આવેલી વર્ષો જૂની શ્રીમતિ પ્રભાદેવી જે.નારાયણ પુસ્તકાલયનું કોર્પોરેશનની શાળા નં.2માં સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવે આ લાઈબ્રેરીમાં સિવિલ વર્ક અને ફર્નીચરની સુવિધા ઉભી કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા રૂા.1.61 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. કાયમી ધોરણે હવે પ્રભાદેવી પુસ્તકાલય શાળા નં.2માં જ કાર્યરત રહેશે. સિવિલ વર્ક માટે રૂા.57.52 લાખ અને ફર્નીચર કામ માટે રૂા.1.04 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
સ્પીડવેલ ચોકથી નવા 150 ફૂટ રીંગ રોડ સુધીનો 24 મીટર ટીપી રોડને રૂા.3.47 કરોડના ખર્ચે ડેવલપ કરાશે
શહેરના વોર્ડ નં.11માં અલગ અલગ ટીપીના રસ્તાને ડેવલોપ કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં રૂા.5.57 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. જેમાં ટીપી સ્કીમ નં.27 અને 28ના કોકોનટ કાઉન્ટીથી જેટકો ચોકડી સુધીના 18 મીટર ટીપીના રોડને ડામરથી મઢી દેવામાં આવશે. આ માટે રૂા.2.10 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. 1.5 કિ.મી.ના આ રોડને ડામરથી મઢવા માટે કુલ 2.85 કરોડનો અંદાજ હતો. 26.10 ટકા ડાઉન ભાવ સાથે આ કામ શ્રી રાજ ચામુંડા ક્ધસ્ટ્રકશન કંપનીએ કરી આપવાની તૈયારી દર્શાવતા હવે આ કામ રૂા.2.10 કરોડમાં થશે.
આ ઉપરાંત સ્પીડવેલ ચોકથી નવા 150 ફૂટ રીંગ રોડ સુધીનો 24 મીટરનો રોડ ડેવલોપ કરવા માટે રૂા.3.47 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામ 22.14 ટકા ડાઉન સાથે આપવામાં આવ્યું છે. રોડ ડેવલોપમેન્ટ સાથે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન બીછાવવામાં આવશે અને 300 મીટર યુટીલીટી લાઈન પણ ફીટ કરાશે. ફૂટપાથનું કામ કરવામાં આવશે.