પાંચ પાકિસ્તાની સાથે બોટ મધદરીયે એ.ટી.એસ. અને કોસ્ટગાર્ડે ઝડપી હતી; સુત્રધાર દુબઈથી વેશ પલ્ટો કરી ભારતમાં ઘુસે તે પહેલા જ ઉઠાવી લીધો
કચ્છ જખૌ બંદર નજીક મધદરીયેથી છ માસ પહેલા ગુજરાત એ.ટી.એસ. અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડી 175 કરોડના હેરોઈન સાથે પાંચ પાકિસ્તાની ઘુસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી જે ડ્રગ્સનો માસ્ટર માઈન્ડ આરોપીને આજે ગુજરાત એ.ટી.એસ.એ દિલ્હી એરપોર્ટ ખાતેથી દબોચી લઈ પુછપરછ હાથ ધરી છે. ગત જાન્યુઆરી માસમાં ગુજરાત એ.ટી.એસ.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસ્ટગાર્ડને સાથે રાખી જખૌ દરીયામાં વોચ રાખી હતી. જેમાં જખૌ નજીકથી પાંચ પાકિસ્તાની ઘુસણખોરો સાથેની બોટ મળી આવી હતી. જેની તલાશી લેતા તેમાંથી રૂા.175 કરોડની કિંમતના હેરોઈનના 35 પેકેટ મળી આવતા પાંચેય પાકિસ્તાનીની ધરપકડ કરી બોટ કબજે કરી હતી.
એ.ટી.એસ.ની પુછપરછમાં હેરોઈનનો જથ્થો મુળ કચ્છના અને હાલ દુબઈ બેઠેલા દાણચોર સાહીદ કાસમ સુમરાએ મંગાવ્યો હતો અને જખૌ નજીક હેરોઈનનું લેન્ડીંગ કરાવ્યા બાદ જુદા-જુદા સ્થળે ઘુસાડવાનું આયોજન કર્યું હતું.હેરોઈનના જથ્થાનો માસ્ટર માઈન્ડ સાહીદ સુમરાની સંડોવણી ખુલ્યા બાદ આરોપીઓ આજે દુબઈથી પોતાનો લુક બદલાવી ભારતમાં આવનાર હોવાની માહિતી પરથી ગુજરાત એ.ટી.એસે દિલ્હી એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. જેમાં આરોપી વિમાનમાંથી ઉતરતાની સાથે જ ઝડપી લીધો હતો. ગુજરાતના દરિયાકાંઠેથી નશીલા પદાર્થોને ઘુસાડવાના પાકિસ્તાનના નાપાક ઈરાદા બદ નથી આવતા ત્યારે કચ્છમાં રહીને નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતા સાહીદ સુમરાની સઘન પુછપરછ કરી નશીલા પદાર્થનું નેટવર્ક ભેદવાનો એ.ટી.એસ. પ્રયાસ કરી રહી છે.