દેશના સાપ્રત રાજકારણની દિશા અને દશા બદલાતા સમય ઘડીના કાંટા ફરતી સોય મુજબ રાજકીય મહત્વ વિવિધ પ્રદેશ રાજ્યોનો યોગ ચમકાવતા રહે છે. દિલ્હીની ગાદી સર કરવાના રાજકીય લક્ષ માટે કેટલાક રાજ્યો નિમિત બનતા હોય છે. અત્યાર સુધી યુ.પી., બિહાર, પંજાબ, રાજસ્થાનના રાજકીય વર્ચસ્વના એકાધિકારના દિવસો હવે બદલાયા છે અને ગુજરાતનો રાજકીય પ્રભુત્વનો સૂર્ય અત્યારે દેશના રાજકીય મંચ ઉપર મધ્યાહ્ને તપી રહ્યો છે. કાશ્મિરથી ક્ધયા કુમારી અને ગાંધીનગર થી ગંગકોટ સુધીના રાજકીય ક્ષેત્રમાં અત્યારે ગુજરાત પર તમામને મીટ મંડાયેલી છે.
કેન્દ્રનું રાજકીય સત્તાકેન્દ્ર અને શક્તિ પરિક્ષણ માટે તમામ રાજકીય પક્ષો ગુજરાતને અતિ મહત્વ આપતા થયા છે. આમ તો દેશની આઝાદીથી અને તે પહેલાં બ્રિટિશ શાસન અને તેનાથી આગળ ભારત વર્ષના મધ્ય યુગમાં ગુજરાત રાજકીય, સામાજીક અને ભૌગોલિક મહત્વ એક યા બીજી રીતે રહેતું આવ્યું છે. સ્વતંત્ર સંગ્રામમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ તો ઠીક પાકિસ્તાનના સ્થાપક મહમંદ અલી ઝીણાના મૂળ પણ ગુજરાત સાથે જોડાયેલા ગણાય. આમ ગુજરાતનું મહત્વ હતું, છે અને કાયમ રહેશે.
અત્યારે ગુજરાતની આભા દરેક રાજકીય નેતા અને વિપક્ષ માટે કેરીયર ક્રિયેટરની છે. ભાજપનું અસ્તિત્વ અને ઉદય ગુજરાત થકી સમગ્ર દેશમાં મહાલી રહ્યો છે. હવે ભાજપના પગલે ગુજરાતની 2022ની ચુંટણીમાં દેશના લગભગ તમામ રાજકીય પક્ષો પોતાના અશ્ર્વમેઘ છૂટા મૂકવા અને ગુજરાત સર કરવા ખાંડા ખખડાવા લાગ્યા છે. આ વખતની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી., જેડીયુ, આમ આદમી પાર્ટી, તૃલમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી સહિતના રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો ગુજરાતમાં સત્તા માટે નહિં પણ તાકાત બતાડવા મેદાનમાં ઉતરી રહ્યાં છે.
ગુજરાતમાં જે ફાવે તેને કેન્દ્રની સત્તા મેળવવામાં સરળતા રહે. ભૂતકાળમાં કોંગ્રેસના તપતા રાજકીય સુરજના યુગમાં પણ ગુજરાતનું મહત્વ રહ્યું હતું. કોંગ્રેસના સૌથી સફળ સુકાની ઇન્દિરા ગાંધી પણ પોતાને ગુજરાતની વહુ ગણાવવામાં જરાપણ છોછ અનુભવાતા ન હતા. પતિનો ગુજરાત સાથેનો નાતો અમદાવાદ સહિતની જાહેર સભામાં તેમણે ઘણીવાર યાદ કરી ચાલુ સભામાં સાડીનો પાલવ માથે ઓઢી હું ગુજરાતની વહુ છું. મારે અહિં માથેં ઓઢવું પડે જેવા ગુજરાત સાથેની લાગણીના અવસર ઉભા કરી ગુજરાત સાથે કોંગ્રેસનો નાતો જોડીએ રાખ્યો હતો.
સોનિયા ગાંધીના વડપણમાં કોંગ્રેસ થીંકટેન્કમાં મુખ્ય સલાહકાર તરીકે ગુજરાતી અહેમદ પટેલ હંમેશા કેન્દ્રમાં રહ્યાં હતાં. હવે પરિસ્થિતિ બદલાઇ છે અત્યારે યુ.પી., બિહારના બદલે કેન્દ્રના રાજકારણમાં ગુજરાત સર્વ શક્તિમાન ગણાય છે. 2022 ચુંટણીમાં દરેક રાજકીય પક્ષ જે હાથમાં આવે એટલો ભાગ મેળવવા ગુજરાત તરફ વળ્યા છે. જો કે, ગુજરાતનું રાજકીય મહત્વ સમજનારા પક્ષો કદાચ રાજકીય સમીકરણોના દ્રષ્ટિકોણથી ગુજરાત તરફ વળ્યા હશે પરંતુ ગુજરાતના મતદારોની પણ એક આગવી તાસીર છે.
ગુજરાતની હવામાં વેપાર છે. અહિંની તાસીરમાં લાભ, ખોટ પારખવાની શક્તિ છે. ગુજરાતી વેપારી ઉદ્યોગપતિઓ કોઇપણ સંજોગોમાં વેપાર ધંધો કરી લે. દીર્ધદ્રષ્ટિથી ગુજરાતી ક્યારેય ખોટ ન ખાય આ જ રીતે ગુજરાતના મતદારો પણ આવતીકાલનું ભવિષ્ય જોવાની શુઝ ધરાવે છે. બે મુખ્ય પક્ષોમાં સત્તાની વહેંચણી માટેનું મતદાન ગુજરાતમાં થાય છે પણ ગુજરાતીઓ ક્યારેય મત વેડફાય તેવું મતદાન કે ત્રીજા મોરચાને પસંદ કરતા નથી. પછી આ મત ધૃવિકરણ માટે પોતિકા જ કેમ નિમિત ન બનતા હોય ?
મુખ્ય પક્ષથી અલગ થઇને મત માંગવા આવનારાઓને ક્યારેય પોતિકાઓએ પણ આપ્યા નથી. ગુજરાતની 2022ની ચુંટણીના રાજકીય અશ્ર્વમેઘમાં અત્યારે તમામ પક્ષો શક્તિ પ્રદર્શનમાં લાગી ગયા છે પણ તેમાં મતદારોની કસોટીની વેંતરણીમાંથી તો ખરો ચક્રવર્તી હશે તે જ ફાવશે તે તેમાં બેમત નથી.