આગામી 7 ઓગષ્ટના રોજ રૂપાણી સરકાર સુશાનના 5 વર્ષ પૂર્ણ કરી રહી છે. જેની સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામેલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિધિવત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કોઈ એક દિવસ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજરી આપે તેવી રાજ્ય સરકારની ઈચ્છા
ગુજરાતના મુખ્યમંત્રી પદે વિજયભાઈ રૂપાણી 7 ઓગષ્ટ 2016ના રોજ સત્તારૂઢ થયા હતા. આગામી 7મી ઓગષ્ટે તેઓ 5 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સતત એક સપ્તાહ સુધી વિવિધ પ્રજાલક્ષી કામો સાથે સુશાનના 5 વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં વડાપ્રધાનને સામેલ થવા વિધિવત આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ મોદી કોઈ એક દિવસ વર્ચ્યુઅલ હાજરી આપે તેવું રાજ્ય સરકાર ઈચ્છી રહી છે.
બીજો ડોઝ આપવા રવિવારે પણ વેકિસનેશનની કામગીરી ચાલુ રહેશે
રાજ્યમાં તમામ વેપારીઓએ આગામી 31મી જુલાઈ સુધીમાં કોરોનાની વેક્સિન લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો વેક્સિનનો એક ડોઝ નહીં લીધો હોય તો 1લી ઓગષ્ટથી વેપારીઓ પોતાની દુકાનો ખોલી શકશે નહીં તેવી કડક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વેક્સિનથી વંચિત રહેલા વેપારીઓને રસી આપવા માટે આગામી રવિવારે પણ વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે
આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કેબીનેટની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જે લોકોને બીજો ડોઝ લેવાની તારીખ આવી ગઈ હોય તેઓને પણ રવિવારે વેક્સિન આપવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે. રાજ્ય સરકાર 100 ટકા વેક્સિનેશનના ટાર્ગેટ સાથે કામ કરી રહી છે. દરેક નાગરિકોને વિનામુલ્યે વેક્સિન આપવા પણ સરકાર કટીબદ્ધ છે.