બાઇક પર જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો કાળનો કોળિયો બનતા ગામમાં આક્રંદ
જામકંડોરણા નજીક આવેલા દુધાવદર ગામ પાસે ગઈ કાલે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જેપુર ગામના માતા-પિતા અને પુત્ર જામકંડોરણા જઈ રહેલા હતા તે દરમિયાન કાર ચાલકે બાઇકને ઠોકર મારતા એક જ પરિવારના ત્રણેય સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા. એક સાથે ત્રણ-ત્રણ અર્થી ઉઠતા નાના એવા ગામમાં આક્રંદ છવાઈ રહ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામકંડોરણા તાલુકાના દુધાવદર ગામના પાટિયા પાસે એક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા તેમાં સવાર માતા-પિતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં તુરંત જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઈ જે.યુ. ગોહેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઇ તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જામકંડોરણા તાલુકાના જેપુર ગામના વતની દિપકભાઇ કેશવભાઈ સોલંકી (ઉ.વ.૩૦), તેમના પત્ની દક્ષાબેન સોલંકી અને આઠ માસનો પુત્ર રોનક સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ ગઇ કાલે રાત્રે જાગરણ કરવા જામકંડોરણા જતા હતા તે દરમિયાન દુધાવદર ગામના પાટિયા પાસે જીજે-૦૩-એલ-૭૬૨૩ નંબરની સ્વિફ્ટ કારના ચાલક મયુર ભીખા ચુડાસમાએ બાઇકને હડફેટે લીધું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માતા-પિતા અને પુત્ર ત્રણેયના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. મયુર તેના મિત્રના શેઠની કાર લઈને આટો મારવા નિકળ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તો બીજી તરફ નાના એવા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યો કાળનો કોળિયો બનતા શોકનો માહોલ છવાયો છે.