સંશોધનને વેગ આપવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થી દીઠ 4 લાખ રૂપિયા અપાશે
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંશોધનને વેગ આપવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્કીમ ઓફ ડેવલોપિંગ હાઈ ક્વોલીટી રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પીએચડીના વિદ્યાર્થીઓ સંશોધન કરવા માટે નાણાની જરૂર પડતી હોય છે ત્યારે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ સ્કીમ અંતર્ગત કુલ 900 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 110 વિદ્યાર્થીઓને સિલેકટ કરવામાં આવ્યા છે. આ તમામને 2 વર્ષ કુલ 4.44 કરોડની સ્કોલરશીપ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ 110 વિદ્યાર્થીઓને આ વર્ષે શોધ અંતર્ગત સ્કોલરશીપ માટે સિલેકશન કરવામાં આવ્યું છે. ગત વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ 30 વિદ્યાર્થીને શોધ હેઠળ સ્કોલરશીપ માટે સિલેકટ કરવામાં આવ્યા હતા. આ વખતે આ આંકડો વધી 110 પર પહોંચી ગયો છે. કોમ્પ્યુટર સાયન્સ ભવનના પ્રો.ડો.અતુલભાઈ ગોસાઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શોધના કો-ઓર્ડિનેટર તરીકે કાર્યરત છે ત્યારે આ વર્ષે વિદ્યાર્થીઓ સંશોધનમાં વધુને વધુ ભાર આપે અને નવા નવા રિસર્ચ ડેવલોપમેન્ટ કરે તે માટે રાજ્ય સરકારની આ ઉત્તમ પહેલ છે.
જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 110 જેટલા વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે 4.44 કરોડની સ્કોલરશીપ આપવામાં આવશે. એટલે કે, હવે વિદ્યાર્થી દીઠ દર મહિને 2 વર્ષ સુધી રૂા.15 હજાર સંશોધન માટે અને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.આ તમામ 110 વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ શુભેચ્છા પાઠવી હતી અને તેઓએ સંદેશો આપ્યો કે રાષ્ટ્ર અને સમાજને ઉપયોગી કરવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અગ્રેસર રહેશે.