દેશમાં પ્રથમવાર યોજાતી ‘કોરોના કેર ટેકર’ ઓનલાઇન તાલીમ શિબિરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આગામી 30 જુલાઈથી ત્રણ મહિના માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન, ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડો. કમલ પરીખના સહયોગથી કોરોના કેર ટેકર વર્ચ્યુઅલ તાલીમ શિબિરનું આયોજન થવા જઈ રહ્યુ છે. આ તાલીમ શિબિરનું ઉદ્દઘાટન રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉદ્ધાટન કાર્યક્રમ ગુરુપૂર્ણિમા નિમિતે રાજકોટના હનુમાન મઢી પાસે આવેલ, ન્યુ એરા સ્કૂલ ખાતે, શાળા સંચાલકો, શિક્ષણવિદો અને મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા એ જણાવ્યું હતું કે દેશમાં કદાચ પ્રથમ જ વાર યોજાતી આ પ્રકારની શિબિરનો હેતુ સમાજને પ્રવર્તમાન પરિસ્થિતિમાં માનસિક, સામાજીક અને શારીરિક મજબુત બનાવવાનો છે. તાલીમ શિબિર 30 જુલાઈથી 30 ઓકટોબર દરમિયાન દર શુક્રવાર અને શનિવારના રોજ વર્ચ્યુઅલી યોજાશે.

Press Photo

વ્યસ્ત સમય હોવા છતાં શિક્ષણમંત્રી જોડાયા એ અમારા માટે આશીર્વાદ છે તેમ જાણવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષણમંત્રીએ તેમના વર્ચ્યુઅલ ઉદ્દબોધનમાં રાજકોટમાં થતા આ નવતર પ્રયોગ જેમાં શાળા, યુનિવર્સિટી સાથે હોસ્પિટલના ડોક્ટર જોડાઈ જે કાર્ય કરી રહ્યા છે તેના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રયોગમાં શાળા અને યુનિવર્સિટી સીધા એકબીજા સાથે જોડાયા તે બાબતને ભૂપેન્દ્રસિંહજીએ આવકાર્ય પગલું ગણાવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા જે તાલીમ આપવા જઈ રહ્યા છીએ તે ખરેખર લોકોને સામાજિક, માનસિક, શારીરિક, અને શૈક્ષણિક રીતે ખૂબ જ ઉપયોગી બનશે. અહીં ત્રણ શબ્દોનો ઉપયોગ કરવો ગમશે, સાધન – સાધ્ય – સાધક. એટલેકે અહીં શિક્ષક, મનોવૈજ્ઞાનિક, અને મેડિકલ લેવલ જયારે એકત્રિત થયું છે ત્યારે એમાં કશી જ ખામી નહિ રહે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેશાણીએ જણાવ્યું હતુ કે આ મહામારીના કપરા સમયમાં પણ મનોવિજ્ઞાન ભવને વિવિધ સર્વે કરી, લોકોને માનસિક સંધિયારો આપી, ગ્રામ્ય લેવલે વેકિસન સંદર્ભે લોકોમાં રહેલી અંધશ્રદ્ધાને દુર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. અંતમાં સંચાલક મંડળના મહામંત્રી  પરીમલભાઈ પરડવા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ શિબિરમાં શિક્ષકો, કોલેજના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને વ્યવસાયિકો જોડાઇ શકે છે. આ તાલીમ શિબિર તદ્દન નિ:શુલ્ક છે, પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે માટે આપેલ ગુગલ ફોર્મની લીંક https://forms.gle/ABbTJ2s288qxgY4t7અથવા તો વધુ માહિતી માટે ડો.ધારા આર.દોશી,આસિસ્ટન્ટ પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – 9574279101, મોનલભાઈ શુક્લ, કો ઓર્ડીનેટર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – 9925011305 અને વિપુલભાઇ ધનવા, પ્રિન્સિપાલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ – 9638289048 ઉપર સંપર્ક કરવા અયોજકો દ્વારા જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.