કચ્છ પંથકમાં જુદાજુદા બે સ્થળોએ સામાન્ય બાબતે મારામારીની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં આદિપૂરમાં કારનો સાઈડ ગ્લાસ ટકરાવા બાબતે યુવાન પર ધારીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો અન્ય બનાવમાં રાપર પાસે ઘર બહાર બેસવા બાબતે ત્રણ કૌટુંબીક ભાઈઓએ યુવાનને લમધારી નાખ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડેનોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આદિપૂર પાસે મેઘપર બોરીચીમાં રહેતા અને ગાંધીધામમાં આવેલી ધૃવરાજ એન્ટરપ્રાઈઝ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુરસિંહ વનરાજસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીના માલીક વિક્રમસિંહ જોરૂભા જાડેજાની કારનો સાઈડ ગ્લાસ પડાણા ગામની પંચાયત પાસે રોડ પર પડેલી સેલેરીયો કારમાં અથડાયો હતો. ત્યારબાદ રજાક નામના શખ્સે વિક્રમસિંહ જાડેજાને ફોન કરી પરત બોલાવ્યા હતા જયાં રજાક અને સલીમે વિક્રમસિંહ પર ધારીયા વડે હુમલો કરતા વચ્ચે પડેલા મયુરસિંહ જાડેજાને ઈજા થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તો અન્ય બનાવમાં રાપર તાલુકાના મોટી હરિપર ગામે રહેતા વેરજી વેરશી ગોહિલ નામના યુવાન પર તેના જ કૌટુંબીક મૂજા પરબત ગોહિલ, અમરત પરબત ગોહિલ અને હસમુખ પરબત ગોહિલે ધોકા, પાઈપ વડે હુમલો કર્યો હતો. યુવાને હોસ્પિટલ બિછાનેથી નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે પોતે ઘર પાસે બેઠો હતો ત્યારે ત્રણેય કૌટુંબીઓએ ત્યાં આવી ઘર બહાર બેસવાની ના પાડી છે તેમ કહી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોઠધાવી હતી પોલીસે વેરજી ગોહિલની ફરિયાદ પરથી ત્રણેય ભાઈઓ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.