ભારતમાં હજુ કોરોનાના કેસો સામે આવી રહ્યા હોય સુરક્ષાને ધ્યાને રાખી સાઉદી અરેબિયાનો નિર્ણય
સાઉદી અરબે ભારતથી આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉપર લાદેલો પ્રતિબંધ વધારીને આગામી 1 ઓગસ્ટ સુધી યથાવત રાખ્યો છે. ભારતમાં કોરોનાના કેસ હોવાના કારણે સાઉદી અરબે સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લીધો છે.
તાજેતરમાં સાઉદીમાં પ્રવાસ ખેડવા સામેના પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા હતા. જોકે નાગરિકોએ દેશના ક્વોરન્ટાઇન પ્રોટોકોલનું પાલન કરવાનો પણ નિયમ બનાવવામાં આવ્યો હતો. બીજી તરફ સાઉદી અરબે ભારત સહિતના ૯ દેશોના નાગરિકો પરનો પ્રવાસ પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. જે દેશો પર પ્રવાસ પ્રતિબંધ યથાવત હતો તેમાં ભારત, પાકિસ્તાન, આર્જેન્ટિના, બ્રાઝિલ, તુર્કી, દક્ષિણ આફ્રિકા, લેબનોન, ઇજિપ્ત અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.
કોવિડ-૧૯ સંક્રમણને અટકાવવા સાઉદી અરબે ફેબ્રુઆરીમાં ૨૦ જેટલા દેશોની ફ્લાઇટ હંગામી મુદત માટે અટકાવી દીધી હતી. તે પૈકીના ૧૧ દેશો પરનો પ્રતિબંધ થોડા સમય પૂર્વે ઉઠાવી લેવામાં આવ્યો હતો. જો કે ભારતથી આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉપર સાઉદી અરેબિયાએ હજુ સુધી પ્રતિબંધિત જ રાખી છે. આ પ્રતિબંધની મુદત તા.1 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.