રામ સોનગડવાલા, વલસાડ
ડિજિટલ યુગમાં સંભારણા પણ ડિજિટલ બની ગયા છે. એક તસ્વીર અથવા વીડિયોરૂપી યાદને ફોન અથવા કેમેરામાં કેદ કરવા લોકો કેટલા ગાંડા હોય છે. અરે ઘણાં તો ફોટા, વીડિયોઝના ચક્કરમાં ભાન ભૂલી પોતાની જાનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. સેલ્ફીના ભુતે તો આજના યુવાવર્ગને એ રીતે આકર્ષયું છે કે જ્યાં જોવો ત્યાં ફરવાલાયક સ્થળો પર લોકો ફોનમાં ફોટા પાડવા માંડે છે. કુદરતી સ્થળો પર કુદરતના કરિશ્માને અનુભવવાની સોનેરી તક મૂકી બસ સેલ્ફી, અને એમાં પણ ટિકટોક, મોજ જેવી એપ્લિકેશનો આવતા વીડિયો અપલોડ કરવા માટે મંડી પડે છે. આવા ક્રેઝના કારણે તો સેલ્ફી દરમિયાન મોતના બનાવો વધ્યા છે.
આવો જ એક વીડિયો વલસાડ જિલ્લાનો સામે આવ્યો છે. ધોધમાર વરસાદના ખુશનુમા વાતાવરણ અને એમાં પણ ખળખળ વહેતી નદી…. કોને ફોટા પાડવાનું મન ન થાય…?? પણ જીવના જોખમે સેલ્ફીની મજા બેવકૂફી જ કહેવાય. વીડિયો વલસાડના વાપીની દમણગંગા નદીનો છે. ભારે વરસાદના કારણે મધુબન ડેમના દરવાજા ખોલી દેવામાં આવતા જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ પાણીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, પણ તેમ છત્તા બે યુવક જીવના જોખમે વીડિયો શૂટ કરી રહ્યો છે.
દમણગંગા નદી ગાંડીતુર બની છે. દરિયામાં ઉછળી રહ્યા હોય તેવા મોજાં ઉછળી રહ્યા છે અને તેની આગળ યુવક ડાન્સ કરી વીડિયો ઉતારી રહ્યો છે. આ જોતા એક શખ્સ તેમને બૂમ પાડી બહાર આવો, ત્યાંથી બહાર નીકળો એમ ચીંસો પણ પાડી રહ્યો છે. શખ્સના ગુસ્સાથી બંને યુવકો બાર નીકળે છે. પણ જો પાણીનો વેગ વધતા કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો..? આ માટે જવાબદાર કોણ..? તે યુવક પોતે જ ને..!! આથી સેલ્ફીની મજા સજા બંને તેનું ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ !!