રાજકોટ મહાનગરપાલિકા, બર્નાર્ડવાનલીર ફાઉન્ડેશન, વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ અને ઇકલી સંસ્થા તરફથી ચાલી રહેલ કેપેસિટીઝ પ્રોજેક્ટના સહયોગથી બાબુલાલ વૈદ્ય પુસ્તકાલયમાં નેચરિંગ નેબરહુડ ચેલેન્જ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જે નેચરિંગ નેબરહુડ ચેલેન્જ સ્માર્ટ સિટીઝ મિશન હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા સંચાલિત તેમજ બર્નાર્ડવાનલીર ફાઉન્ડેશન અને વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના સહયોગમાં કરવામાં આવેલા આ એક 3 વર્ષીય પહેલ છે.
જેના પ્રારંભિક તબક્કામાં કુલ 25 શહેરોની પસંદગી કરવામાં આવેલ છે. આ ચેલેન્જ અંતર્ગત જાહેર સ્થળો કે જ્યાં બાળકો અને તેમની કાળજી રાખનાર નિયમિત મુલાકાત લેતા હોય, તેવા સ્થળોએ તેમની જરૂરિયાતોને અનુરૂપ સુવિધાઓનું આયોજન કરવાનું છે. જેથી કરીને જાહેર સ્થળોને બાળકો અને તેમના વાલીઓ માટે વધુ આકર્ષક બનાવી શકાય. આ વર્કશોપમાં એસએનકે અને ન્યુ એરા શાળામાંથી કુલ 22 બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો. વર્કશોપમાં બાળકો અને તેમના વાલીઓએ વિવિધ એક્ટિવિટી મારફત જાહેર સ્થળો જેવા કે માર્કેટ, ગાર્ડન, લાઈબ્રેરી અને બસ સ્ટેન્ડ અંગેના તેમના અનુભવો અને તેમને બાળકો માટે વધુ ફ્રેંડલી બનાવવા અંગેના તેમના સૂચનો રજુ કાર્ય હતા.
આ પહેલ અંગે મેયર ડો. પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે, શહેરના લાંબાગાળાના સસ્ટેનેબલ વિકાસ માટે કોર્પોરેશન નાગરિકોની પ્રતિક્રિયા મુજબ વિવિધ પ્રોજેક્ટસનું આયોજન કરતુ રહે છે. નેચરિંગ નેબરહુડ ચેલેન્જ શહેરની પ્લાંનિંગ પ્રક્રિયામાં શહેરના સૌથી યુવાન નાગરિક અને તેમની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા જણાવે છે. શહેરની પ્લાંનિંગ પ્રક્રિયામાં બાળકોને અનુરૂપ સુવિધાઓનું આયોજન કરવાથી સ્થાનીય લેવલ પર પ્રત્યેક નાગરિકને ફાયદો થશે. જેને અનુરૂપ આવનાર સમયમાં વિવિધ જાહેર સ્થળોને બાળકો માટે વધુ આકર્ષિત અને આનંદમય બનાવવા તેમજ બાળકોને જાહેર સ્થળોએ સ્વસ્થ વાતાવરણ મળે તે મુજબના વિવિધ કામોનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગને શુભેચ્છા પાઠવતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવેલ કે શહેરના સર્વાંગી વિકાસ માટે નાગરિકો દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો પરના તેમના અનુભવો અને સૂચનોને નિયમિત રીતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. નેચરિંગ નેબરહુડ ચેલેન્જ શહેરમાં થતા વિવિધ વિકાસના કામોના આયોજન વખતે બાળકો અને તેમની કાળજી લેનાર પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવે છે. જે માટે વિવિધ જાહેર સ્થળો કે જ્યાં નાના બાળકો અને તેમની સંભાળ રાખનાર તમામ વયજૂથો મુલાકાત લેતું હોય તેવા જાહેર વિસ્તારોને વધુ રળિયામણા અને સુલભ બનાવવા માટે આવનાર સમયમાં વિવિધ કામોનું આયોજન કરવામાં આવશે.