રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે એમની બાલ્યાવસ્થાની લીલાભૂમિ ખાતે રઢિયાળી રાત (પ્રાચીન લોકગીતો)નો ઑન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મ યોજાયો. આ કાર્યક્રમને વિશ્વભરમાં વસતાં 26 લાખથી વધુ ભાવિકોએ જીવંત માણ્યો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ, રાષ્ટ્રીયશાળા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, ઐતિહાસિક અમદાવાદ-સાબરમતી જેલના નિવૃત્ત નાયબ અધિક્ષક પી.બી. સાપરા, ભારતીય સેનાના સેવા-નિવૃત્ત અધિકારીઓ કર્નલ સંજયભાઈ ઢઢાણીયા, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, તુષારભાઈ ભટ્ટ, મેઘાણી સાહિત્ય કોર્નરના શિલ્પી વાલજીભાઈ પિત્રોડા, અમૃતભાઈ પરમાર, નયનાબેન દિપકભાઈ જોશી, કૃષ્ણા ગોહેલ, મુકુંદભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ખ્યાતનામ લોક કલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાએ ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતોની રમઝટ બોલવી હતી. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. રાજુભાઈ ધ્રુવ અને કેપ્ટન જયદેવભાઈ જોશીએ પ્રેરક વકતવ્ય આપ્યું હતું. વાદ્ય-વૃંદ હિતેશ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), કુલદીપ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો. સાઉન્ડ સિસ્ટમ પિન્ટુભાઈ દાણીધારીયા નકલંક સાઉન્ડ (રાજકોટ)ની હતી.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા રાજકોટ જિલ્લા પુસ્તકાલય (માલવિયા ચોક પાસે) ખાતે મેઘાણી સાહિત્ય કોર્નરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત પ્રેરિત થાય તે હેતુથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવાં વિવિધ વિષયોનાં 75 જેટલાં પ્રાપ્ય પુસ્તકો 6x3x1 ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં રખાયાં છે.આ પ્રેરક આયોજનો બદલ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પિનાકી મેઘાણીને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.