ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દંપત્તી વચ્ચે થયેલા ઝઘડાના કારણે પત્નીને ત્રીજા માળેથી ધક્કો મારી મોતને ઘાટ ઉતારી પતિ પોલીસ સમક્ષ હાજર થઇ પત્નીની હત્યા કર્યાની કબુલાત આપી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા ચીત્સીયા કોલોની ખાતે રહેતી જીન્નતબેનને તેના પતિ ઇમ્તીયાઝ સાથે ઝઘડો થતા વહેલી સવારે ઇમ્તીયાઝે પોતાની 35 વર્ષની પત્ની જીન્નતને ત્રીજા માળેથી નીચે ફેંકી દેતા ગંભીર રીતે ઘવાતા તેણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.
કુવૈત સ્થીત અને છેલ્લા 6 માસથી ધોરાજી આવેલા પતિ ઇમ્તીયાઝે પત્ની જીન્નતની હત્યા કરી પોલીસ મથકે હાજર થઇ ‘મે મારી પત્નીને ત્રીજા માળેથી ધક્કો મારી દીધો છે. કહેતા પોલીસે તેની અટકાયત કરી છે. મૃતક જીન્નતબેનને સંતાનમાં બે બાળકો હોવાનું જાણવા મળે છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પી.એસ.આઇ. નયનાબેન સહિતના સ્ટાફે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જીન્નતબેનની હત્યા ઘર કંકાસના કારણે થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આમ છતાં મૃતક જીન્નતબેનના પતિ ઇમ્તીયાઝની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથધરી છે. જીન્નતબેનની હત્યાથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.