રાજયભરમાં પ્રજાની સેવા કરતા પોલીસ કર્મચારીઓ કે જેઓ દારૂ, જુગાર અને નશીલા પદાર્થ કેસમાં ફરજમાં બેદરકારી દાખવતા હોય જેમને સરકાર દ્વારા જે-તે સમય પર ફરજ પરથી મોકુફ કરવામાં આવ્યા હતા. તેવા પોલીસ કર્મચારીઓને ફરી ફરજ પર હાજર કરવા માટે સરકાર દ્વારા હાલ વિચારણા કરવામાં આવી રહી છે જેના કારણે ગૃહવિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ફરજ મોકુફી હેઠળના પોલીસ ઈન્સપેકટરો અને તેથી ઉતરતા દરજજાના પોલીસ અધિકારી, કર્મચારીઓના ફરજ મોકુફીના કેસોની સમયાંતરે સમીક્ષા કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. દારૂ, જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવામાં ઉદાસીનતા, નિષ્ફળ રહેવાને કારણે ફરજ મોકુફી હેઠળ મુકવામાં આવેલા પોલીસ અધિકારી, કર્મચારીઓને તેમજ લાંચ રૂશ્ર્વતના કેસોમાં સંડોવાયેલ પોલીસ અધિકારી, કર્મચારીઓના ફરજ મોકુફીના કેસોની સમીક્ષા કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
જેમાં દારૂ, જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસરની પ્રવૃતિ અટકાવવામાં ઉદાસીનતા, નિષ્ફળતાને કારણે ગણનાપાત્ર કેસોમાં ફરજ મોકુફ કરવામાં આવેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના ફરજમોકુફીના કેસોની સમીક્ષા ઓછામાં ઓછા 6 માસ સુધી કરવી નહીં. પરંતુ જો આવા કેસની સમીક્ષા કરવા માટેના ખાસ કારણો ઉપસ્થિત થાય તો આ અંગે અગ્રસચિવ, ગૃહ વિભાગની લેખિત પૂર્વ પરવાનગી મેળવવી જરૂરી બનશે અને ત્યારબાદ જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દારૂ, જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસરની પ્રવૃતિ અટકાવવામાં ઉદાસીનતા, નિષ્ફળતાને કારણે ફરજો મોકુફી હેઠળ મુકવામાં આવેલા પોલીસ અધિકારી, કર્મચારીને કેસની સમીક્ષા કર્યા બાદ પુન: ફરજ પર લેવામાં આવે ત્યારે તેઓને બે વર્ષ સુધી બિનસંવેદનશીલ જગ્યાએ કામ કરવાનું રહેશે એ શરતે પુન: ફરજ પર લેવાના રહેશે.
પોલીસ તપાસના જે કેસોમાં સંબંધિત અધિકારી, કર્મચારી સામે લાંચ રૂશ્ર્વત નિવારણ અધિનિયમ-1988 હેઠળ પ્રોસીકયુશન શરૂ થઈ ગયું હોય એટલે કે અદાલતમાં પોલીસ ખાતાએ તહોમતનામું મુકી દીધેલ હોય તેવા કિસ્સામાં આવા અધિકારી, કર્મચારીને ફોજદારી ગુના સબબ ફરજ મોકુફી હેઠળ મુકયાના બે વર્ષ બાદ જ પુન: સ્થાપિત કરવા વિચારણા કરવી. ઉપરોકત સુચનાઓનો કડક અમલ કરવા તમામ શિસ્ત અધિકારીઓને આથી જણાવવામાં આવે છે. આ સુચનાઓનો અમલમાં ક્ષતિ કે ચૂકને ગંભીર ગણી જવાબદાર સામે પગલા લેવાની સરકારને ફરજ પડશે તેની નોંધ લેવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે.