ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમિતિની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તપાસનીય અધિકારીઓ દ્વારા તપાસ કરી અહેવાલ રજૂ થયેલ હોય તેવા 25 કેસો સમિતિ સમક્ષ રજૂ થયા હતા. આ રજૂ થયેલ 25 પૈકી 8 કેસ પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા.
જ્યારે 15 કેસો દફ્તરે કરવા અને બે કેસોમાં એફ.આઇ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
જિલ્લા કાયદો અને વ્યવસ્થા સમિતિને બેઠક સંપન્ન અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા કલેક્ટરની સૂચના
રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુ એ રાજકોટ જિલ્લા કાયદો-વ્યવસ્થાની મીટીંગમાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખાસ કરીને અસામાજીક તત્વો પર કાર્યવાહી થાય અને સમય મર્યાદા મુજબ વિવિધ અરજીઓનો નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
તડીપાર કરાયેલ શખ્સો અન્ય જિલ્લામાંથી જે તે સ્થળે ફરી આવી ન જાય તે માટે તડીપાર સમય દરમિયાન તે જે સ્થળે રહેતો હોય તે સ્થળ નજીકના પોલીસ સ્ટેશને સમયાંતરે નોંધ કરાવે અને જરૂરી વેરિફિકેશન પોલીસ દ્વારા થાય તે માટે જરૂરી સુચના આપી હતી.
આ ઉપરાંત કલેક્ટરએ એસડીએમ સમક્ષ રહેલા વિવિધ કેસો, અરજીની સમીક્ષા કરી હતી. સી.આરપીસી 107, 108 સહિત વિવિધ કલમ હેઠળ થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ મિટિંગમાં એસ.પી. બલરામ મીણા, અધિક કલેક્ટર કેતન ઠક્કર, ધોરાજી, ગોંડલ, જસદણ અને રાજકોટ વિસ્તારના પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.