જૂનાગઢ સક્કરબાગમાં દેશમાં એકમાત્ર સિંહોના બ્રિડિંગ સેન્ટરની અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જેમાં અધિકારીઓની સારી દેખભાળના કારણે સિંહ સંવર્ધનની શ્રેષ્ઠ કામગીરીથી 5 વર્ષમાં 52 સિંહ બાળનો જન્મ થયો છે. અને ચાલુ વર્ષે જ 14 તંદુરસ્ત સિંહબાળનો જન્મ થયો છે. હજુ પાંચ માસ બાકી છે જેમાં સિંહ બાળ જન્મનો રેકોર્ડ તૂટશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે પ્રતિવર્ષ દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે અને વન્ય પ્રાણીઓ નિહાળી આનંદિત થાય છે. આ અંગે પ્રાણીસંગ્રહાલયના આર.એફ.ઓ નિરવકુમાર મકવાણાના જણાવ્યા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં સક્કરબાગ સ્થિત સિંહોના બ્રિડિંગ સેન્ટરમાં કુલ 54 જેટલા નવા તંદુરસ્ત સિંહ બાળનો જન્મ થયો છે. જેમાં ગત વર્ષે 24 સિંહ બાળનો જન્મ થયો હતો. અને આ આ વર્ષે 14 સિંહ બાળનો જન્મ થયો છે.
સકરબાગ સ્થિત બ્રિડિંગ સેન્ટરમાં ગર્ભવતી સિંહણોની વેટરનરી ડોકટરો દ્વારા સતત મોનિટરિંગ કરાઇ છે અને સિંહણને પૂરતા ખોરાક અને દવાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે જેથી સરળતાથી તંદુરસ્ત સિંહબાળનો જન્મ થાય છે. અને સિંહણ પોતાની રીતે એકલી પડી જાય તો તેને આઇસોલેસન કરી દેવામાં આવે છે.
ઉપરાંત જન્મ લેનાર સિંહોને જંગલમાં છોડી મૂકવામાં આવતા નથી. આ સિંહોને ડિસ્પ્લેમાં રખાય છે અને બાદમાં બીજા પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવે છે. જેમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 80 એશિયાટીક સિંહોને દેશ વિદેશમાં મોકલવામાં આવ્યા છે. જે સિંહો ત્યાંના ઝૂની શોભામાં વધારો કરી રહ્યા છે. જૂનાગઢના સક્કરબાગ ખાતે હાલ 24 નર સિંહ, 35 માદા સિંહણ અને 14 સિંહબાળ છે. તેમજ હજુ ચાર મહિના બાકી હોય તેમાં સિંહબાળના જન્મ નો રેકોર્ડ તૂટી શકે તેમ સંભાવના સેવાઈ રહી છે.