રેતાળ અને રણ પ્રદેશમાં વધુ જોવા મળે છે : કચ્છ-સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતમાં ચંદન ઘો વધુ છે : શક્તિવર્ધક દવા માટે આની તસ્કરી સૌથી વધુ થાય છે : અહીંથી પકડીને ચીન-મલેશિયા મોકલાય છે
આ પૃથ્વી ઉપર કે આપણી આસપાસ નાના-મોટા સરિસૃપ જોવા મળે છે. પર્યાવરણના રક્ષક સમા કેટલાય જીવોને આપણે પૂરા જાણતા પણ નથી. સુકા કે ઘાસના મેદાનો, હરિયાળી જગ્યા, જંગલો, તળાવ પાસેનો ખડકાળ વિસ્તાર કે પહાડો પર ચિત્ર-વિચિત્ર જીવો રહે છે. બદલાતા પર્યાવરણ તેમના આવાસ કે ખોરાકમાં પડતી મુશ્કેલીને કારણે તે માનવ વસવાટ તરફ ખોરાકની શોધમાં ભટકતા આવી જતાં જોવા મળે છે. હાલની ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં ઘણા સરિ આવી જતાં જોવા મળે છે. હાલની ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં ઘણા સરીસૃપો આપણા ઘર આસપાસ આવી ચડે છે. જેમાં સર્પ મુખ્યત્વે જોવા મળે છે. ઘણા તો આપણાં ઘરમાં પણ હોય છે. જેમાં ભીંત ગરોળી, કુંડામાં સરપોલીયા જેવા વિશેષ જોવા મળે છે.
આવા જ એક સરીસૃપ ‘ચંદન ઘો’ છે. સમાજમાં સૌથી વધુ ગેરમાન્યતા, લોકવાયકા, ગેર સમજ આની સાથે જોડાયેલ છે. તે મુખ્યત્વે રેતાળ અને રણ પ્રદેશમાં વધુ વસવાટ કરે છે. ગુજરાતમાં કચ્છ-સુરેન્દ્રનગર સાથે ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળે છે. શક્તિવર્ધક દવામાં તેના ઉપયોગને કારણે તેની તસ્કરી વધુ થતી જોવા મળે છે. તસ્કરો અહીંથી તેને પકડીને ચીન-મલેશિયા જેવા દેશોમાં મોકલે છે. તેને પકડતી વન્યધારા હેઠળ ગુનો બનતો હોવાથી અવાર-નવાર આવા ચંદન ઘો પકડનારને પોલીસ પકડતી હોય છે.
ગુજરાતમાં સૌથી વધુ તસ્કરી આ ચંદન ઘો સરીસૃપની થાય છે. એક માન્યતા મુજબ આમાંથી બનતી દવા પૌરૂષત્વ વધારે છે એવી વાયકાને કારણે તસ્કરો તેમને પકડે છે. ઘો ને સાંઢા પણ કહેવાય છે. કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં તેની વસ્તી વધુ જોવા મળે છે. સરિસૃપોમાં ચંદન ઘો ની દાણચોરી સૌથી વધુ થતી જોવા મળે છે. એક વખત તો કચ્છમાં તેના 300 મૃતદેહો એક સાથે મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
કદમાં નાની કે મોટી ચંદન ઘો ભારે વજનવાળી હોય છે. ગરોળી કરતા કદમાં ઘણી મોટી હોવાથી પ્રથમવાર જોતા માણસ ડરી જાય છે. એક જમાનામાં ડુંગરઓ, નદીકાંઠે કે જંગલોમાં જાડી ચંદન ઘો જોવા મળતી હતી પણ શિકારીઓને પૈસા મળતા હોવાતી તેને પકડી કે મારીને લઇ જવાથી તેની સંખ્યા ઘટવા લાગી છે. વન્ય વિભાગ દ્વારા વિલુપ્ત થતી પ્રજાતિઓમાં ચંદન ઘો કે સાંઢાનું નામ પણ આવી ગયું છે.
બગડતા પર્યાવરણે આવા ઘણા પ્રાણીઓને નામશેષ કરી નાખ્યા છે. ઇતિહાસના પાનાઓ ફેરવો તો છત્રપતિ શિવાજીના સૈનિકો કિલ્લા ઉ5ર દિવાલ ચડવા તેનો ઉપયોગ કરતાં કારણ કે ચંદન ઘો દિવાલ સાથે ચોંટી જવાથી દોરડાની મદદથી દિવાલ ચડી શકાતી હતી. ગુજરાતમાં તેના વિવિધ નામો છે. માટીના કલર જેવું શરીર સાથે તેના ચાર પગનો આકાર જોડોતો પાટલા જેવો દેખાય છે તેથી તેણે પાટલા ઘો પણ કહેવાય છે. ઘણા તેને ઘોર કે ઘોરપડ કહે છે. આપણાં ગુજરાતમાં રણપ્રદેશમાં ‘ઘો’ અને પાટલા ઘો જોવા મળે છે. બંને લગભગ સરખી લાગે છે.
સરીસૃપોની ચામડી જે તે વાતાવરણ-માટીને અનુરૂપ જોવા મળે છે. શિકારથી બચવા કુદરતે જ આ કરામત કરી છે. ચંદન ઘો વ્હેલી સવારે અથવા મોડી સાંજે સક્રિય રહે છે. જમીનની તિરાડો, દર, બખોલમાં રહેવું તેને બહુ ગમે છે. તે 1.75 મીટર લાંબી હોય છે. મોટી પૂછડી જીભ સાથે તેના દાંત તીક્ષ્ણ હોય છે. એના શરીર કરતાં મોટી તે પૂંછડી હોય છે જેમાં ખૂબ જ તાકાત હોય છે. શિકાર માટે તેનો ઉપયોગ વધુ કરે છે.
ચંદન ઘો નો મુખ્ય ખોરાક કાચિંડા, સાપ, કાચબા, ગરોળી ઉપરાંત નાના પક્ષીઓ મગરના ઇંડા, કરચલા, ઝિંગા, માછલી, કિટકો અને વિંછી જેવા તેનો ભાવતો ખોરાક છે. ચંદન ઘો ની જમવાની સ્ટાઇલ વિચિત્ર છે તે શિકારને ચાવવાને બદલે દાંતથી ટૂકડા કરીને ગળી જાય છે. તે પાણીમાં ખૂબ જ સારી રીતે તરી શકે છે. માદા ચંદન ઘો જમીનમાં ખાડો ગાળીને 8 થી 30 ઇંડા મુકે છે. અમૂક ચાલાક ઘો તો ઊધઇના રાફડામાં ઇંડા મૂકી દે છે.
ઇંડામાંથી આપ મેળે બચ્ચા બહાર નીકળી જાય છે. ભરૂચ શહેરના ઘાસ મંડાઇ વિસ્તારમાં સાડા ચાર ફૂટની મહાકાય લાંબી પાટલા ઘો નિકળતા લોકો ડરી ગયા હતાં. આપણા ભારતમાં ચંદન ઘો ની વિવિધ પ્રજાતિઓમાં મોટે ભાગે ભારતીય ઘો રણપ્રદેશની રેતાળ ઘો, પીળી ઘો તેમજ પાણીમાં રહેતી ઘો જોવા મળે છે. ચંદન ઘો, સાંઢામાંથી ખાસ પ્રકારનું તેલ બનાવાય છે. જેનો ઉપયોગ હાડકા સાથે જોડાયેલી ઘણી બિમારી તેમજ પૌરૂષત્વ વધારવા માટે ઉપયોગ થાય છે. આ ઘો માં એક ‘એફ્રોડિસિયા’ નામનું રસાયણ હોય છે જે ઘણું ઉપયોગી હોય છે. આ સરીસૃપ વિશે ઘણી ગેરસમજણને લોક વાયકા જોડાયેલી છે જો કે તેનાં કોઇ સત્યતા હોતી નથી.
ચંદન ઘો માં રહેલું ‘એફ્રોડિસિયા’ રસાયણ ઘણું ઉપયોગી
ચંદન ઘો ને આપણે ઘણા નામોથી ઓળખીએ છીએ. મુખ્યત્વે આપણા દેશમાં ભારતીય ઘો રણપ્રદેશની ઘો પીળી તેમજ પાણીમાં રહેતી ઘો ની પ્રજાતિઓ જોવા મળે છે. તેમના શરીર કરતાં પૂંછડી ખૂબ મોટીને તેની લંબાઇ 1.75 મીટર જેટલી હોય છે, જો કે અપવાદરૂપમાં ભરૂપમાં સાડા ચાર ફૂટની ઘો પણ જોવા મળી હતી. તેના ઇંડામાંથી આપમેળે બચ્ચા નીકળે છે. તે ખોરાકને ચાવવાને બદલે તીક્ષ્ણ દાંતથી તેના કટકા કરીને ગળી જાય છે. તે પાણીમાં ખૂબ જ સારી રીતે તરી શકે છે. ચંદન ઘો ને પાટલા ઘો કે સાંઢાપણ કહેવાય છે. તે દિવાલમાં ચોંટી જતી હોવાથી છત્રપતિ શિવાજી મહારાજના સૈનિકો દુશ્મનનાં કિલ્લા ઉપર ચડવા તેનો ઉપયોગ કરતાં હોવાનું ઇતિહાસમાં નોંધ છે.