ત્રીજી લહેર રોકવા ‘ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને રસી’નો મંત્ર આપ્યો
વડાપ્રધાનની વર્ચ્યુઅલ બેઠકમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને કેરળના મુખ્યમંત્રી સામેલ થયા
અબતક, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી છે. વિડીયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ બેઠકમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને કેરળના મુખ્યમંત્રી સામેલ થયા. મોદીએ કહ્યું કે, “આપણે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને રસી પર ધ્યાન આપવાનું રહેશે. જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે તેમણે પ્રોએક્ટિવ મેજર લેતા ત્રીજી લહેરની આશંકાને રોકવી પડશે.”
પીએમ મોદીએ કહ્યું કે, “શરૂઆતમાં નિષ્ણાતો માની રહ્યા હતા કે જ્યાંથી સેકન્ડ વેવની શરૂઆત થઈ હતી, ત્યાં સ્થિતિ પહેલા નિયંત્રણમાં હશે. પરંતુ મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધતા જોવા મળી રહ્યા છે. આ ખરેખર આપણા બધા માટે, દેશ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે.” ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 80 ટકા એ જ રાજ્યોમાંથી છે જેમની સાથે પીએમ મોદીએ ચર્ચા કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “એક્સપર્ટ્સ જણાવે છે કે લાંબા સમય સુધી કેસ વધવાથી કોરોના વાયરસમાં મ્યુટેશનની શક્યતા વધી જાય છે, નવા વાયરસનો ખતરો વધી જાય છે. આ કારણે ત્રીજી લહેરને રોકવા માટે પગલાં ઉઠાવવા જરૂરી છે, જે પહેલા રાજ્ય કરી ચુક્યા છે. ટેસ્ટેડ એન્ડ પ્રૂવન મેથર્ડ છે.
પ્રધાનમંત્રીએ રાજ્યોને સલાહ આપી છે કે, “માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર આપણે ઝડપથી કામ કરવું પડશે. જ્યાં કેસ વધારે આવી રહ્યા છે ત્યાં દેખરેખની વધારે થવી જોઇએ. જ્યારે હું નૉર્થ-ઈસ્ટના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યો હતો તો જાણવા મળ્યું કે, એ રાજ્યોએ લોકડાઉન જ નથી કર્યું, ત્યાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર ધ્યાન આપવામાં આવ્યું.” પીએમ મોદીએ કહ્યું કે, દેશના તમામ રાજ્યોમાં આઈસીયૂ બેડ બનાવવા, ટેસ્ટિંગ ક્ષમતા વધારવા અને બીજી તમામ જરૂરિયાતો માટે ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે હાલમાં જ 23 હજાર કરોડથી વધારેનું ઇમરજન્સી કોવિડ ફંડ જાહેર કર્યું છે. આનો ઉપયોગ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવો જોઇએ. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધારે મહેનત કરવાની જરૂર છે. આઈટી સેક્ટરમાં કૉલ સેન્ટર જેવી સુવિધા મજબૂત કરવાની જરૂર છે. આનાથી ડેટા ટ્રેકિંગ કરવું સરળ બને છે.