ભાજપ અને કોંગ્રેસના 16 કોર્પોરેટરોએ 34 પ્રશ્ર્નો બોર્ડ સમક્ષ મુક્યા: દેવાંગ માંકડના લાઈબ્રેરીના સવાલની ચર્ચામાં જ પ્રશ્નોતરીકાળ વેડફાઈ જશે
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 11 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. નવનિયુક્ત મ્યુનિ.કમિશનર અમિત અરોરાનું જનરલ બોર્ડ હોય નગરસેવકોના સવાલોના જવાબ આપવામાં તેઓની કસોટી થશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે પ્રથમ સવાલ ભાજપના નગરસેવક દેવાંગ માંકડનો લાઈબ્રેરી અંગેનો હોય રાબેતા મુજબ તેની ચર્ચામાં જ પ્રશ્ર્નોતરીકાળનો સમય વેડફાઈ જશે. બોર્ડ સમક્ષ 8 દરખાસ્તો મંજૂરી અર્થે મુકવામાં આવી છે. અન્ય બે દરખાસ્ત અરજન્ટ બિઝનેશ તરીકે મુકાય તેવું માનવામાં આવી રહ્યું છે.
જનરલ બોર્ડમાં ભાજપના 12 કોર્પોરેટર દેવાંગ માંકડ, મિનષ રાડીયા, નિલેશ જલુ, નિતીન રામાણી, અનિતાબેન ગૌસ્વામી, ભાવેશ દેથરીયા, જીતુભાઈ કાટોળીયા, નેહલભાઈ શુકલ, ચેતનાબેન સુરેજા, જયમીન ઠાકર, નિરુભા વાઘેલા અને બાબુભાઈ ઉધરેજાએ કુલ 24 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ, ભાનુબેન સોરાણી, વશરામભાઈ સાગઠીયા અને મકબુલ દાઉદાણીએ 10 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. સામાન્ય રીતે બોર્ડમાં પ્રશ્ર્નોતરીકાળનો એક કલાકનો સમય એક જ પ્રશ્ર્નની ચર્ચામાં ખોટા દેકારા અને સામ-સામી આક્ષેપબાજીમાં પસાર કરી દેવામાં આવતો હોય છે.
કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે મહાપાલિકા કેટલું સજ્જ છે તે સવાલની ચર્ચા કરવાના બદલે નગરસેવકોએ લાઈબ્રેરી, આવાસ યોજના, સિટી ઈજનેરોની ખાલી પડેલી જગ્યા સહિતના પ્રશ્ર્નો પુછયા છે. વિપક્ષ કોંગ્રેસ પાસે ગણીને માત્ર ચાર જ કોર્પોરેટર હોવાના કારણે અગાઉની માફક બોર્ડ તોફાની બનતું નથી પરંતુ વિપક્ષ ચોક્કસ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપી શાસકો અને અધિકારીઓને ભીડવવાનો પ્રયાસ કરે છે.
બોર્ડમાં મંજૂરી અર્થે કુલ 8 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. દરમિયાન કાર્યપાલક ઈજનેર તરીકે વાય.સી.ગૌસ્વામીના નામ પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી હોય જેને આખરી બહાલી આપવા અરજન્ટ બિઝનેશ દરખાસ્ત પણ બોર્ડ સમક્ષ મુકવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. મ્યુનિ.કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ અમિત અરોરાનું આ પ્રથમ જનરલ બોર્ડ હોય તેઓની કાલે કસોટી થાય તેવું માનવામાં આવી રહ્યું છે.