શાસક નેતા-દંડકના સરપ્રાઈઝ ચેકિંગમાં કર્મચારીઓ મોબાઈલમાં મશગુલ નજરે પડ્યા

કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોનમાં અલગ અલગ ચાર શાખાઓમાં વિનુભાઈ ઘવા અને સુરેન્દ્રસિંહ વાળાની ઓચિંતી વિઝીટ: કર્મચારીઓને કડક ઠપકો

રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ લોકોની સમસ્યા હલ કરવામાં જેટલું ધ્યાન આપે છે તેનેથી દશ ગણુ પોતાના અંગત કામો નિપટાવવામાં અને પ્રજાનું કામ કઈ રીતે ખોરંભે ચડાવવું તેમાં આપતા હોય છે. આજે સવારે શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા અને પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ત્રીજા માળે અલગ અલગ ચાર શાખાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અનેક કામચોર કર્મચારીઓ મોબાઈલમાં મશગુલ નજરે પડ્યા હતા. જેઓને કડક ઠપકો આપવામાં આવ્યો હતો. જો બીજીવાર આવું પકડાશે તો બદલી કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ તાકીદ કરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે ઉઘડતી કચેરીએ શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા અને પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ત્રીજા માળે ટીપી શાખા, એસ્ટેટ શાખા, આરોગ્ય શાખા અને સોલીડ વેસ્ટ શાખામાં ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કેટલાંક કર્મચારીઓ કામના સમયે મોબાઈલમાં મશગુલ હોવાનું નજરે પડ્યું હતું તો કેટલાંક કર્મચારીઓ કચેરીના સમયે પણ ઓફિસમાં હાજર ન હોવાનું માલુમ પડ્યું હતું.

મોબાઈલમાં મશગુલ કર્મચારીઓને શાસક નેતા અને દંડકે મોઢે-મોઢ પરખાવી દીધું હતું કે, જો તમારી પાસે આ શાખામાં કોઈ કામ ન હોય તો બીજી શાખામાં જરૂરીયાત છે ત્યાં બદલી કરી નાખીએ. મોબાઈલમાં મસ્ત રહેવાના બદલે લોકોના પ્રશ્ર્ન હલ કરો અને લોકોને વારંવાર કચેરી સુધી ધક્કા ખાવા ન પડે તે પ્રકારની કામગીરી હાથ ધરવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી.

સાથો સાથ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, જો બીજીવાર ચેકિંગ દરમિયાન એકપણ કર્મચારી મોબાઈલ પર મશ્ગુલ નજરે પડશે તો તેની અન્ય શાખામાં બદલી કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે. દંડક સુરેન્દ્રસિંહ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોર્પોરેશનની ઝોન કચેરી અને ત્યારબાદ જરૂર પડશે તો વોર્ડ ઓફિસમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. કામચાર કર્મચારીને સાખી લેવાશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.