સાબરકાંઠા, હિતેશ રાવલ: ગુજરાતમાં કોરોનાના કેસ હવે નહિવત આવી રહ્યા છે અને સ્થિતિ ઘણે અંશે સુધરી ગઈ છે ત્યારે સરકારની મંજૂરીથી શિક્ષણ પણ હવે પાંચ માસ બાદ સંપૂર્ણ અનલોક થયું છે. આખરે પાંચ માસ બાદ ફરી એકવાર પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થતાં શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ છવાયો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ આજથી ધોરણ 12નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
સાબરકાંઠામાં આજથી 128 શાળાઓમાં ધોરણ 12નું શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. 50% બાળકો સાથે તમામ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લાના 11468 વિધાર્થીઓ પૈકી રોજ 50% વિધાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપ્યા પહેલા તમામ વર્ગખંડોને સેનીટાઈઝ કરવામાં આવ્યા ત્યારબાદ બધા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.
શાળામાં તમામ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે. માસ્ક વગર કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. લાંબા સમય બાદ શાળાઑ ખૂલતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે. આવતા દિવસોમાં બીજા બધા ધોરણના પણ વર્ગો શરૂ થઈ શકે છે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.