મુરઝાતા મોલને જીવંતદાન મળતા ખેડૂતોમાં ખુશીનું મોજુ, ભલસાણ બેરાજામાં
65 મીમી, નવાગામમાં 30 મીમી, લાલપુરમાં 80 મીમી, પીઠડમાં 55 મીમી વરસાદ નોંધાયો
અષાઢ માસના પ્રારંભે જ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. જેમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ થતા જ મુરઝાતા પાકને જીવંતદાન મળ્યુ છે. લાલપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ, જામજોધપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ સાથે ધ્રોલ-જોડિયામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરમાં વરસાદી ઝાપટા સાથે 2 મી.મી. વરસાદ નોંધાયો છે અને આ વરસાદને લઇને નદી નાળાઓમાં પુર આવ્યા હતાં. અષાઢના વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીનું મોજુ ફેલાયુ હતું.
જિલ્લામાં 15 જૂન બાદ ચોમાસાનો વિધિવત આગમન થયું હતું. પરંતુ ચાલુ વર્ષે ચોમાસનું વહેલા આગમન થયા બાદ વરસાદ ખેંચાતા ગરમીનું જોર યથાવત રહ્યું છે. પરંતુ અષાઢ માસના પ્રારંભમાં પુન: મેઘરાજાનું આગમન થયું છે. રવિવારે સવારથી જ આકાશમાં વાદળોનું સામ્રાજય જોવા મળ્યું હતું. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ં જામજોઘપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ નોંધાયો છે. જ્યારે કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ ભલસાણ બેરાજામાં જ્યારે નવાગામમાં 1 ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું નોંધાયુ છે.
અષાઢ માસના પ્રારંભે અષાઢી બીજ પહેલા જ મેઘરાજાએ પુર્ણ એન્ટ્રી કરી છે. જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ સમી સાંજ થી જ વાદળીયા વાતાવરણ વચ્ચે જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. (મોસમનો કુલ વરસાદ) લાલપુરમાં 79 મી.મી. (121 મી.મી.) વરસાદ નોંધાયો હતો. જ્યારે જામજોધપુરમાં 29 મી.મી. (90 મી.મી.), જોડિયામાં 14 મી.મી. (39 મી.મી.) અને ધ્રોલમાં 11 મી.મી. (68 મી.મી.) વરસાદ જ્યારે શહેરમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ માત્ર ઝાપટા સાથે 2 મી.મી. (36 મી.મી.) વરસાદ નોંધાયો હતો. આમ જામનગર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 12.58 ટકા એકંદરે નોંધાયો છે.
લાલપુર તાલુકામાં ભારે વરસાદથી નદી-નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતાં. આ વરસાદથી મુરઝાઇ રહેલા પાકને જીવંતદાન મળ્યુ હતું. ખેડૂતોમાં આ વરસાદથી ખુશીનું મોજુ ફેલાયુ હતું અને ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં વરસાદ થવાથી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નમાં પણ રાહત મળશે. જિલ્લાના જામજોધપુર, લાલપુર, ધ્રોલ, જોડિયા અને કાલાવડ, જામનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં અડધોથી 3 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો હતો. જેમાં જામનગર તાલુકાના ફલ્લા પીએસસીમાં 12 મી.મી., જામવણંથલીમાં 5 મી.મી., દરેડમાં 5 મી.મી. વરસાદ નોંધાયો હતો. શહેરમાં વરસાદી ઝાપટાની સાથે શહેરના અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
આકાશી વિજળીએ બે બળદ સાથે એક ખેડૂતનો ભોગ લીધો
લાલપુર તાલુકાના મોટાખડબા ગામે ખેતીવાડીએ કામ કરી રહેલા ખેડૂત ઉપર એકાએક આકાશી વિજળી પડી હતી. જ્યારે આ ખેડૂત હળ ચલાવી રહ્યો હતો ત્યારે જ બળદ સાથે ખેડૂત સાથે વિજળી પડી હતી જેથી ખેડૂત સાથે બે બળદના પણ મોત નિપજ્યાં હતાં. ખેડૂતનું મૃત્યુ થતાં જ શોકનું મોજુ ફરી વળ્યુ હતું.