હવે સરકારમાં પણ સહકાર
મોદી સરકારે બનાવેલું નવું મંત્રાલય અલગ વહીવટી, કાયદાકીય તથા નીતિવિષયક માળખું પુરૂ પાડશે
મોદી સરકારે કેબિનેટને વિસ્તરણ સાથે સહકાર મંત્રાલય પણ ઉભું કર્યું છે. વર્તમાન સમયે આ મંત્રાલયની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહને સોંપવામા આવી છે. મંત્રીમંડળના વિસ્તરણ માં પહેલા જ નવું મંત્રાલય બનાવવાની જાહેરાત કરી દેવાઈ હતી. ભારતમાં સહકારી ક્ષેત્રનો પોતાનો અલાયદો ઇતિહાસ રહ્યો છે. સહકારિતા ક્ષેત્રના કારણે દેશને ઘણા કદાવર નેતા મળ્યા છે.
સહકારી ક્ષેત્રમાં થયેલા આંદોલનોએ રાજકારણને પ્રભાવિત કર્યું છે. નવી દિશા આપી છે. આવી સ્થિતિમાં નવા સહકાર મંત્રાલયનું કામ શું હશે? તે જાણવું જરૂરી છે. મોદી સરકારે ઐતિહાસિક પગલું લેતાં ’સંસ્કાર સે સમૃદ્ધિ’ના તેના વિઝનને વાસ્તવિક બનાવવા માટે અલગ ’સહકાર મંત્રાલય’ની રચના કરી છે.
આ મંત્રાલયનો આશય દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવાનો છે.દેશમાં પાયાના સ્તરે લોકો આધારિત ચળવળના મૂળ ઊંડા ઉતરે અને લોકોને લાભ થાય તે માટે આ મંત્રાલયની રચના કરાઈ છે. મંત્રાલય સહકારી ચળવળને મજબૂત બનાવવા માટે અલગ વહીવટી, કાયદાકીય અને નીતિવિષયક માળખું પૂરું પાડશે.
વર્તમાન સમયમાં કો-ઓપરેટિવ આધારિત આર્થિક વિકાસ મોડેલ દેશ માટે ઘણું જ સુસંગત છે, જ્યાં દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે કામ કરતો હોય.આ મંત્રાલય મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ્સના વિકાસને સક્ષમ બનાવવા અને કો-ઓપરેટિવ માટે ’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે પ્રક્રિયાને સરળ બનાવવા પર કામ કરશે. કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે તે કોમ્યુનિટી આધારિત વિકાસ ભાગીદારી માટે કટિબદ્ધ છે.
સહકારી મંત્રાલયનો હેતુ શું?
આ મંત્રાલય સહકારી સમિતિઓના હિતોની દેખરેખ અને તેમના વિકાસ માટે કામ કરશે. મંત્રાલયને અલાયદું વહીવટી, કાયદાકીય અને નીતિ માળખું આપવામાં આવશે. જેથી દેશમાં સહકારી આંદોલનને મજબૂતી આપી શકાય. સરકારનું કહેવું છે કે, આ મંત્રાલય સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝન સાથે બનાવવામાં આવ્યું છે.
સહકાર વગર સમૃદ્ધિ નહિ, સહકારી ક્ષેત્રના વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે અમુલ
દેશમાં સહકારી ક્ષેત્રનું સૌથી ઉત્તમ ઉદાહરણ અમૂલ છે. જે ભારતીય ડેરી સહકારી મંડળી છે અને ગુજરાત કોઓપેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા સંચાલિત છે. ગુજરાતના 3.6 કરોડ દૂધ ઉત્પાદકો તેના માલિક છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન સહકારી પણ યોગ્ય ઉદાહરણ છે.
શરદ પવાર અહીંના જ સહકારી આંદોલનમાંથી મોટા નેતા તરીકે સામે આવ્યા હતા.ભારતમાં સહકારિતા હવે મોટું નાણાકીય સેક્ટર થઈ ગયું છે. દેશભરમાં શાકભાજી, ફળ સહિતના કૃષિ ઉત્પાદનોમાં વેચાણમાં સહકારી ક્ષેત્રનો ફાળો મોટો છે. જેના થકી કૃષિ પેદાશોનું વેચાણ દૂર દૂર થાય છે. આ સાથે જ ગૃહ નિર્માણ ક્ષેત્રમાં પણ સહકારીતાનો ફાળો નોંધનીય રીતે વધ્યો છે.
આઝાદી બાદ સહકારી ક્ષેત્રે જોર પકડ્યું
ભારતમાં આઝાદી બાદ સહકારી ક્ષેત્રે જોર પકડ્યું હતું. આઝાદીથી જ ગાંધીજીના સિદ્ધાંતો અને આદર્શો હેઠળ ભારત સરકારે સહકારી ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે. પહેલા વડાપ્રધાન નહેરુએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય દેશભરમાં સહકારિતા આંદોલનને ફેલાવવાનો છે. તેઓ તેને દેશની મૂળ ગતિવિધિના દરજ્જા સુધી લઈ જવા માંગતા હતા.
દરેક ગામમાં સહકારિતા હોય તેવી તેમની ઇચ્છા હતી. 1958માં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સહકારી બજાર મંડળીઓ સ્થાપવા માટે સહકારી મંડળની રાષ્ટ્રીય નીતિની ભલામણ કરી હતી. વિવિધ કાયદાની મડાગાંઠ સર્જાય નહિ તે માટે 1984માં મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો.