સાબરકાંઠા, હિતેશ રાવલ:આગામી વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઈ છે. ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડી 2022નો વિધાનસભાનો જંગ જીતવા ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા એડીચોટીનું ઝોર લગાવાઈ રહ્યું છે. ત્યારે હવે વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવી ગુજરાતની રાજનીતિમાં મેદાને ઉતરી છે. રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારો પ્રતિસાદ મળતા વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારે આ વચ્ચે સાબરકાંઠામાં ‘આપ’ને ધક્કો લાગ્યો છે.

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. વિજયનગર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ 25 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આપના ઉપપ્રમુખ સહિત 25 જેટલા કાર્યકરોએ આપનું ઝાડુ મૂકી પંજાને પકડયો છે. વિજયનગર તાલુકાના લાદીવાડા ગામે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો હતો.

લાદીવાડા ગામે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ સહિત 25 જેટલા કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની ઉપસ્થિતિમાં તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.