બાળકો સાથેના ‘મોકળા મને’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ જાહેરાત
કાળમૂખા કોરોનાની બીજી અને ઘાતક લહેરે રાજયમાં અનેક બાળકોનાં માતા પિતા છીનવી લીધા છે. અને તેમને નિરાધાર બનાવી દીધા છે. રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આવા નિરાધાર બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.4 હજાર સહાય આપવામાં આવી રહી છે. જેમાં વય મર્યાદા હવે 18 વર્ષથી વધારી 21 વર્ષની કરવામાં આવી હોવાની સંવેદનશીલ જાહેરાત ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાળકો સાથેના ‘મોકળા મને’ કાર્યક્રમમાં કરી હતી.
કોરોનામાં માતા-પિતા બંને ગુમાવનાર અથવા કોઈ એકને ગુમાવનાર બાળકને સહાય રૂપ થવા માટે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાથી એક પણ બાળક વંચિત ન રહી જાય તેવી ખાસ કાળજી રાખી બાળકોને શોધવામા આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા નિરાધાર બાળકોના પાલક વાલીઓનાં બેંક ખાતામાં જયાં સુધી બાળકની ઉંમર 18 વર્ષની ન થાય ત્યાં સુધી માસિક રૂ.4000 જમા કરાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. અને 750થી વધુ બાળકોને આ યોજના હેઠળ સહાયનો પ્રથમ હપ્તો ચૂકવી પણ દેવામાં આવ્યો છે.
દરમિયાન ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલા બાળકો સાથેના ‘મોકળા મને’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી સંવેદનશીલ જાહેરાત કરી હતીકે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત હવે નિરાધાર બાળકોને જે માસિક 4 હજાર રૂપીયા ચૂકવવામાં આવી રહ્યા છે. તેની મહતમ વય મર્યાદા 18 વર્ષની હતી. જે વધારી 21 વર્ષની કરવામાં આવી છે. રાજયમાં હવે કોરોના કાળમાં માતા કે પિતા અથવા બંને ગુમાવનાર વાલીઓને 18 નહીં પરંતુ 21 વર્ષ સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત માસિક 4 હજારની સહાય ચૂકવવામાં આવશે.