ગાંધીધામમાં ૮ ટન ગેરકાયદે પેટ્રોલિયમ પદાર્થ સાથે એકની ધરપકડ
કચ્છ પંથકમાં ચાલતા બાયોડિઝલના વેપલા પર પોલીસે ધોસ બોલાવી છે. જેમાં વધુ બે બાયોડિઝલના વેપલા પર પોલીસે દરોડા પાડી લાખોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં અંજારમાંથી રૂ.૧૮.૫૦ લાખના બાયોડિઝલના જથ્થા સાથે બે અને ગાંધીધામમાં ૮ ટન ગેરકાયદે પેટ્રોલિયમના પદાર્થ સાથે એકને પોલીસે દબોચી લીધો છે.
આ અંગે અંજાર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારના કળશ સર્કલ પાસે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ ટેન્કર ત્યાંથી પસાર થયું હતું. જેની તપાસ કરતા તેમાંથી રૂ.૧૮.૫૦ લાખના કિંમતનો ૨૪ હજાર લીટર બેઝ ઓઇલ મળી આવ્યો હતો.
જેથી પોલીસે ટેન્કર સહિત કુલ રૂ. ૨૮.૫૦ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જે બાદ ટેન્કર ચાલક અમિતકુમાર રામયજ્ઞ યાદવની પૂછપરછ કરતા તેનો શેઠ માધાપરમાં રહેતા અંકિત રમેશચંદ્ર ઠક્કરને આપવાનું હોવાનુ જણાવતા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા પડાણામાં મેપલ કંપની સામે આવેલા વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સત્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ બેઝ ઓઇલ વેચાણ કરી રહ્યો હતો. જેથી પોલીસે ટેન્કરમાં રાખેલો રૂ. ૪ લાખનો ૮ ટન બેઝ ઓઇલ સહિત કુલ રૂ. ૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બંને દરોડામાં બેઝ ઓઈલના સેમ્પલ લઈ લેબમાં મુકવામાં આવ્યા હતા.