વડોદરામાં માર્કેટિંગ માટે આવેલા રાજકોટના સોની વેપારીની કારમાંથી .2.35 કરોડનું સોનું લૂંટી લેવાના બનાવનો અમદાવાદ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી એક આરોપીને 26 લાખના દાગીના સાથે ઝડપી પાડી ટોળકીનો ભેદ ઉકેલાયો છે.રાજકોટની વી.રસિકલાલ નામની પેઢીના સંચાલક વિપુલ ધકાણ તેમના સેલ્સમેન અને ડ્રાઇવર સાથે વડોદરા આવ્યા હતા ત્યારે તા.18મી જૂને સવારે 11 વાગે પરત ફરતી વખતે છાણી જકાતનાકા સર્કલ પાસે નાસ્તો કરવા રોકાયા હતા.જે દરમિયાન તેમની કારનો કાચ તોડી બાઇક સવાર બે ગઠિયા કરની ડિકિમાંથી રૃા.2.35 કરોડના દાગીના લૂંટી ગયા હતા.આ બનાવમાં ફતેગંજ પોલીસની સાથે એસઓજી,પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ જોડાઇ હતી.પરંતુ વડોદરા પોલીસ હજી આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં અમદાવાદ પોલીસે એક લૂંટારાને ઝડપી પાડી વડોદરાની લૂંટના બનાવનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફએ આસ્ટોડિયા વિસ્તારમાં માંડવી પોળના નાકેથી અમિત રાકેશ અભવેકર(છારા)ને ઝડપી પાડી તપાસ કરતાં તેની પાસે બેગમાંથી બાવન તોલાથી વધુ વજનના દાગીના મળી આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે આ દાગીના વડોદરામાંથી લૂંટયા હોવાનું કબૂલ્યું હતું.
પોલીસે વધુ પૂછપરછ કરતાં મનોજ સિન્ધીની ગેંગ દ્વારા વડોદરા આવેલા રાજકોટના ચોકસીની કારમાંથી દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા લૂંટારા અમિત અભવેકરની પૂછપરછમાં મનોજ કનૈયાલાલ સિન્ધી અને તેની સાથે પાંચ સાગરીતો વડોદરામાં લૂંટ કરવા આવ્યા હોવાની વિગતો ખૂલી છે. મનોજ બે લૂંટારા સાથે કારમાં આવ્યા હતા.જ્યારે બીજા ત્રણ લૂંટારા એક્ટિવા અને બાઇક પર આવ્યા હતા.છાણી જકાતનાકા બ્રિજ પાસે કાર મૂકી મનોજ સિન્ધી અને બોબી રાઠોડ બાઇક પર છાણી જકાતનાકા સર્કલ પાસે આવ્યા હતા.બીજા બે લૂંટારા સ્કૂટર પર વોચ રાખતા હતા મનોજે કારનો કાચ તોડી સોનાની લૂંટ ચલાવી હતી.લૂંટારાઓ છાણી તરફ ભાગીને કારમાં ફરાર થયા હતા વડોદરા પોલીસ નાકાબંધી કરી લૂંટારાને શોધતી રહી હતી.
મનોજ સિન્ધીની ગેંગના લૂંટારાઓના નામ વડોદરામાં દાગીનાની લૂંટ ચલાવનાર મનોજ સિન્ધીની ગેંગની લૂંટારાઓ તમામ રહે.કુબેરનગર, છારા નગર,અમદાવાદ ઉત્તમ આત્મારામ છારા , વિશાલ વિક્રમ ,બોબી બળવંત રાઠોડ , સન સુભદ્ર તમંચે અને અમિત રાકેશ અભવેકર હોવાનું બહાર આવ્યું છે વડોદરામાં ચોકસીને લૂંટનાર ગેંગનો સાગરીત અમિત અભવેકર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાઇ જતાં તેને વડોદરા પોલસને સોંપવાની તજવીજ હાથ ધરાઇ છે.અમદાવાદ પોલીસના જણાવ્યા પ્રમાણે,લૂંટારો અમિત વાહનોની ડિકિ તોડવામાં માહેર છે.તેની સામે અમદાવાદમાં ડિકિ ચોરીના ચાર ગુના નોંધાયા હતા.જ્યારે મુંબઇના મલાડ,ડિંડોલી અને કુરાર પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા હતા.ચોરીના ગુનામાં પકડાયા બાદ અમિતને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.દોઢ મહિના પહેલાં જ તેનો છૂટકારો થતાં ફરીથી ગુનાખોરી આચરવા માંડી હતી.