81 ટકા સ્ત્રીઓએ વજન વધી જવાના ભયથી ભાવતુ ભોજન છોડ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો 321 સ્ત્રી પર ગુગલ ફોર્મના માધ્યમથી સર્વે કરાયો
ભોજન અરુચિ એક એવો મનોદૈહિક રોગ છે કે જેમાં રોગીને ભૂખ લાગતી નથી. આ વિકૃતિમાં રોગીના શરીરનું વજન ધીરે ધીરે ઓછું થવા લાગે છે અને અન્ય કોઈ શારીરિક રોગ વિના જ રોગીમાં ભૂખની ખામી જોવા મળે છે. આ રોગ સ્ત્રી કે પુરુષોમાં કોનામાં વધુ જોવા મળે છે એ જોવા માટે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની વરુ જિજ્ઞાએ ડો.ધારા આર.દોશીના માર્ગદર્શન નીચે ગુગલફોર્મના માધ્યમ દ્વારા 621 લોકોનો જેમાં 321 સ્ત્રીઓ અને 300 પુરૂષો હતા જેનો સર્વે કર્યો જેમાં જોવા મળ્યું કે આ રોગ ઓછી ઉંમરની સ્ત્રીઓમાં ખાસ કરીને 15 થી 32 વર્ષની સ્ત્રીઓમાં વધારે થતો જોવા મળે છે અને તેના કેટલાક લક્ષણો જેમ કે માસિક ધર્મનું અનિયમિત થવું. અથવા તેમાં ગડબડ થવી, હદયની ધીમી ગતિ તથા અન્ય ચયાપચયની ગડબડ મુખ્ય હોય છે.
શું તમને વારંવાર કશું ખાવાનું મન થયા કરે છે?:
69.1% ભાઈઓએ હા કહી અને માત્ર 30.9% બહેનો એ હા જણાવ્યું
શું તમને ભૂખ ન લાગતી હોય એવું અનુભવાય છે?:
67% બહેનો એ હા અને માત્ર 32.7% ભાઈઓએ હા કહી
જ્યારે તમે વધુ પડતું ભોજન લ્યો છો ત્યારે શું તમને શરીર વધી જવાનો ભય અને પસ્તાવો થાય છે?:
60% બહેનોએ હા અને 40% પુરુષોએ હા કહી
શું તમે વધુ વજનથી ગભરાઇ ગયા છો?:
જેમાં 63.6% બહેનોએ હા અને 36.4% ભાઈઓએ હા કહી
તમારું વજન વધી જશે એ બીકથી તમે ઘણો ખોરાક લેવાનું પસંદ કરતાં નથી?:
જેમાં 74.5% બહેનોએ હા અને 25.5% પુરુષો એ હા કહી
જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે પણ વજન વધી જશે એ ભયથી શુ તમે ખાવાનું ટાળો છો?:
જેમાં 80% બહેનોએ હા અને માત્ર 20% પુરુષોએ હા કહી
શું વજન વધારવાનું ટાળવા તમે ક્યારેય ખોટી ઊલટીઓ કરી ભોજન બહાર કાઢ્યું છે?:
જેમાં 90% બહેનોએ હા અને 10% ભાઈઓએ હા કહી
શું તમારી લાગણીઓ તમારી ખાવાની ટેવને અસર કરે છે?:
જેમાં 58.2% એ સ્ત્રીઓએ હા અને 41.8% ભાઈઓએ હા કહી
સ્ત્રીઓ પોતાના દેખાવ અને સુંદરતા માટે ભોજનનું પ્રમાણ ઓછું કરે છે?:
જેમાં 83.6% એ હા અને 16.4% એ ના કહ્યું
નક્કી કરેલ વસ્તુઓ જ તમારા ભોજનમાં લ્યો છો?:
જેમાં 74.5% સ્ત્રીઓએ હા અને 25.5% ભાઈઓએ હા કહી
વજન વધી જવાના ભયથી ગમતું ભોજન પણ ક્યારેય છોડી દીધું છે?:
જેમાં 81.8% સ્ત્રીઓએ હા અને 18.2% ભાઈઓએ હા કહ્યુ
તમારા આવેગોની અસર તમારા ભોજન પર થાય છે?:
જેમાં 72.7% સ્ત્રીઓએ હા અને 28.3% ભાઈઓએ હા કહી
તમે શું અનુભવો છો?:
63.6% એ કહ્યું વધુ વજન વધુ જશે એ ભયથી ખાવાનું ટાળવું, 21.8% એ કહ્યું બહુ દુબળા છીએ એવું લાગવું, 14.5% ગમતું ભોજન લઈ લેવું.
ભોજનમાં અરૂચિના કારણો
ભોજન અરુચિ ની શરૂઆત તે બાળકો કે વ્યક્તિઓમાં વધારે વિકસિત થાય છે જેમને માતા દ્વારા વધુ સુરક્ષા મળી હોય છે. ભોજન અરુચિ માં કેટલાક એવા કેસ મળ્યા છે જેમાં જોવા મળ્યું છે કે રોગીના ઘરમાં અમુક વિશેષ અયોગ્ય તત્વો જેમ કે દીકરા તથા દીકરી વચ્ચે દ્વેષભાવ વગેરે જોવા મળે છે. જાતીય સમાયોજન માં ખામી તથા કુંઠિત સ્વભાવને લીધે પણ ભોજન અરુચિ ની વિકૃતિ ઉત્પન્ન થાય છે.ખાસ કરીને સ્ત્રીઓ વધુ વજન વધી જશે તો કોઈ પસંદ નહિ કરે એ ભયથી દુબળા રહેવા આ વિકૃતિ વિકસિત કરી લે છે. ટીવી અને સિરિયલ ના લોકોને પોતાના રોલ મોડેલ માની એ પ્રમાણે નું ફિગર રાખવામાં ઓવર ડાયેટિંગ કરી આ વિકૃતિ વિકસિત કરી લે છે. જ્યારે સ્ત્રીઓ તણાવનું વ્યવસ્થાપન ન કરી શકે, આવેગશીલ બને ત્યારે પણ ભોજન અરુચિ ઉતપન્ન થઈ શકે. અનિયમિત વિચારો, અયોગ્ય નિર્ણય, અણગમતી પરિસ્થિતિ માં સમાયોજન ન થઈ શકે ત્યારે ભોજન અરુચિ થઈ શકે.