21મી સદીના વિશ્વમાં પુન: પ્રાપ્ય ઉર્જાની જરૂરીયાતોના આગોતરા આયોજનમાં ગુજરાતની હરણફાળ વિશ્વને નવો રાહ બતાવશે
21મી સદીનું વિશ્વ અત્યારે ઉર્જાની જરૂરીયાતો પૂરી કરવા માટે સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. સાથે સાથે ઉર્જા પ્રાપ્તિની ઘેલછામાં પર્યાવરણનું નિકંદન નિકળી રહ્યું છે તેવા સંજોગોમાં હવે ઉર્જાના ઉત્પાદનમાં હાઈડ્રોકાર્બન અને પરંપરાગત ઉર્જાના ઉપયોગના બદલે સૂર્ય પ્રકાશ, વાયુ ઉર્જા જેવા વૈકલ્પીક ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. પેરીસમાં યોજાયેલી ગ્લોબલ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વના દેશોને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્ત થવા માટે સૂર્ય ઉર્જા પર ભાર દેવાનું સુચન કર્યું હતું અને દરેક જવાબદાર રાષ્ટ્રને પોતાના આભા મંડળમાં 3 ડિગ્રી સેલ્સીયસ તાપમાન ઘટાડવાની જવાબદારી લેવાનું આહવાન કર્યું હતું અને વિશ્વ સમાજને વડાપ્રધાનના આ સુચનને અમલમાં મુકવા નિર્ધાર કર્યો હતો ત્યારે સૌથી વધુ ગુજરાતમાં પુન: પ્રાપ્ય ઉર્જાના વિકાસ માટે કમર કસવામાં આવી હોય તેમ પાવર હાઉસ બની ગુજરાત મોદીનું સપનું સાકાર કરવા જઈ રહ્યું છે.
પુન: પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં ગુજરાતે હરણફાળ ભરી છે. વીજળીના ઉત્પાદન માટે સૂર્ય અને પવન ઉર્જાના ક્ષેત્રના વિકાસ માટે સરકારે શરૂ કરેલી કવાયતથી 2025થી 2030 સુધીમાં 38,466 મેગાવોટમાંથી 61,466 મેગાવોટ સુધીનું વીજળીનું ઉત્પાદન કરવાનું સરકારે લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જ્યાં સૂર્ય કિરણ સિધા જ પડે છે તેવા જિલ્લાઓમાં સૂર્ય ઉર્જાના પ્રોજેકટો હાથ પર લેવામાં આવ્યા છે. કચ્છમાં ભારત-પાક. સરહદ પર વિઘાકોટ ગામમાં 30 ગીગા વોટ, બનાસકાંઠામાં હર્ષદ સોલાર પાર્કમાં 500 મેગા વોટ, રઘનસેડામાં 700 મેગા વોટ, વીજળી પ્રોજેકટમાં સુઝલોન, અદાણી ગ્રુપે પ્રોજેકટ લોન્ચ કર્યા છે.
અમદાવાદમાં ધોલેરા, મેગા સોલાર પાવર પ્રોજેકટમાં 5000 મેગા વોટ, પાટણમાં 730 મેગા વોટ, મુદ્રા અદાણી સોલાર મેન્યુફેકચરીમાં 1.5 ગીગા વોટ, રિલાયન્સ જામનગરમાં 4 ગીગા વોટ ફેકટરીઓમાં સૂર્ય ઉર્જાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આગામી સાડા ત્રણ વર્ષમાં ગુજરાત સમગ્ર વિશ્વકક્ષાએ પુન: પ્રાપ્ય ઉર્જામાં સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરતું રાજ્ય બની રહેશે અને 2030 સુધીમાં 61,000 મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરશે. કેન્દ્ર સરકારની સૂર્ય ઉર્જામાંથી વીજળીનું ઉત્પાદન કરવાની નીતિ અને યોજનાનો સૌથી વધુ પ્રતિસાદ આપનારૂ રાજ્ય ગુજરાત બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં 30,000 મેગા વોટ સૂર્ય અને પવન ઉર્જા ઉત્પાદન પાર્કનું કચ્છમાં શિલારોપણ ર્ક્યું હતું અને 72600 હેકટરમાં ઉભુ થનારૂ આ સોલાર પાર્ક 1.5 લાખ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઉર્જા સ્ત્રોત બનવા માટે તૈયાર થઈ રહ્યું છે. રિલાયન્સ ઈન્ડિયા લીમીટેડ ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્ષ જેવી કંપનીઓ, અદાણી ગ્રુપ અને ગુજરાતી કંપનીઓ સૂર્ય અને પવન ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવીને ગુજરાતને સમગ્ર દેશનું પાવર હાઉસ બનાવી દેશે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 10 બીલીયન અમેરિકન ડોલરના રોકાણથી પુન: પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે. ગૌતમ અદાણી જુથ પણ પુન: પ્રાપ્ય ઉર્જા માટે કમરકસી ચૂકી છે ત્યારે અંબાણી અને અદાણીના સંયુક્ત સાહસથી સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાથી વીજળીના ઉત્પાદનના આ અધ્યાયથી કોલસા અને હાઈડ્રોકાર્બન આધારીત વિદ્યુત મથકોના બદલે સૂર્ય અને પવન ઉર્જાના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરીને જમીનની અંદરની શક્તિ નહીં આકાશથી સર્વોપરીતાની હોડ અદાણી અને અંબાણી વચ્ચે જામશે.
જમીનની અંદરની શક્તિ નહીં આકાશી રોજીની સર્વોપરીતાની હોડ અદાણી-અંબાણી વચ્ચે જામશે
વિશ્વની બદલતી જતી પરિસ્થિતિ વચ્ચે હવે વીજળીનું ઉત્પાદન વધારવાની જરૂરીયાત સાથે સાથે કોલસા અને ખનીજ આધારીત પાવર હાઉસ પર્યાવરણ માટે જોખમી બની ગયા છે ત્યારે ભારતમાં રિન્યુએબલ ઉર્જાના ભવિષ્યના આયોજન સાર્થક કરવા માટે મુકેશ અંબાણી અને અદાણી જૂથ વચ્ચે હોડ જામી છે. કોલસા આધારિત અને પેટ્રોલીયમ આધારિત પાવર હાઉસથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વકરી રહી છે. સમગ્ર વિશ્વ માટે હવે પુન: પ્રાપ્ય ઉર્જા સીવાય કોઈ વિક્લ્પ નથી ત્યારે ભારતમાં જમીનની અંદરની શક્તિ કોલસા અને પેટ્રોલીયમ આધારીત પાવર હાઉસ બનાવીને ઉર્જાનું ઉત્પાદન કરવાના બદલે અદાણી અને અંબાણી વચ્ચે સોલાર, સૂર્ય અને પવન ઉર્જા માટે હોડ જામી છે.
મુકેશ અંબાણીએ રિન્યુએબલ એનર્જી માટે 10 બીલીયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. સાથે સાથે ગૌતમ અદાણી પણ સૂર્ય અને પવન ઉર્જા માટે તૈયાર થયા છે. 2030 સુધીમાં 450 ગીગા વોટનું ઉત્પાદન કરીને ભારત વિશ્વનું સૌથી વધુ પુન: પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરતો દેશ બની રહેશે. આ માટે અદાણી અને અંબાણી વચ્ચે રીતસરની હોડ જામી રહી છે.