સિવિલના સ્વાઈન ફલુ વોર્ડમાં ૧૭ દર્દીઓ સારવાર હેઠળ: ૧૧ના રિપોર્ટ પોઝીટીવ
સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઈન ફલુનો કહેર યથાવત છે. સ્વાઈન ફલુના દર્દીઓની વધી રહેલી સંખ્યા અને દર્દીઓના મૃત્યુ આંકમાં થઈ રહેલા વધારાથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલનાં સ્વાઈન ફલુ વોર્ડમાં ૨ દર્દીએ અને ખાનગી હોસ્પિટલમાં એક દર્દીએ સ્વાઈન ફલુથી દમ તોડતા કુલ મૃત્યુ આંક ૧૦૭ થયો છે. હાલ સિવિલના સ્વાઈન ફલુ વોર્ડમાં ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧૧ દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અને હજુ ૬ દર્દીઓનાં રીપોર્ટ બાકી છે.
ચારેય તરફ હાહાકાર મચાવનાર સ્વાઈન ફલુએ ૨૪ કલાકમાં ત્રણ ભોગ લીધા છે. જેમા શહેરનાં ૬૦ વર્ષના પ્રૌઢ અને ૩૩ વર્ષનાં યુવાન અને જામકંડોરણાના ૬૫ વર્ષના વૃધ્ધાએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડતાની સાથે સ્વાઈન ફલુથી નોંધાતા મૃત્યુ આંકમાં વધારો થતા ૧૦૭ પર પહોચ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટની હોસ્પિટલમાં સ્વાઈન ફલુના કુલ ૪૭૧ કેસ નોંધાયા છે. જેમાંથી ૩૦૫ જેટલા દર્દીઓને યોગ્ય સારવાર આપી સાજા કરી દેવામાં આવ્યા છે. હાલ સીવીલ હોસ્પિટલનાં સ્વાઈન ફલુ વોર્ડમાં કુલ ૧૭ દર્દીઓને સારવાર હેઠળ રખાયા છે. જેમાં ૧૧ દર્દીઓનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.