ડ્રાઇવિંગ લાયસન્સ માટે જોવાતી રાહનો અંત આવશે: વેઈટીંગ લિસ્ટમાં નોંધપાત્ર ઘટાડાની પ્રબળ શકયતા
ડ્રાઇવિંગ લાયસન્સ માટે આર.ટી.ઓ. સુધીના થતા ધક્કા પર હવે પૂર્ણ વિરામ મુકાઈ જશે. હવે જ્યાંથી વાહન ચલાવવાની તાલીમ મેળવશો ત્યાંથી જ ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અગાઉ કેન્દ્ર સરકારે આ દિશામાં જાહેરાત કરતા હવે રાજ્ય સરકારે જરૂરી દિશા નિર્દેશો જાહેર કર્યા છે.
હવે ડ્રાઈવીંગ લાયસન્સ માટે લોકોએ આરટીઓ સુધી જવાની જરૂર નહી રહે પરંતુ જે ડ્રાઈવીંગ સ્કુલમાંથી ડ્રાઈવીંગની તાલીમ લીધી હોય તે સ્કુલ જ લાયસન્સ ઈસ્યુ કરી શકશે. કેન્દ્ર સરકારનાં આ આદેશ બાદ રાજય સરકારે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવીંગ સ્કુલ સ્થાપિત કરવા માટે દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. આ શાળામાંથી તાલીમ મેળવનારા લોકોને આરટીઓ દ્વારા આયોજીત ડ્રાઈવીંગ ટેસ્ટમાં સામેલ થવાની જરૂર નથી.
કેન્દ્ર સરકારે આ બાબતે સૂચીત કર્યા બાદ રાજય સરકારે જણાવ્યું કે, ગાઈડલાઈન પ્રમાણે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવીંગ સ્કુલો પાસે પોતાની જમીન અને ટ્રેનીંગ માટેની ઈન્સ્ટીટયુટ હોવી જોઈએ. ડ્રાઈવીંગ સ્કુલો તો જ પ્રમાણપત્ર આપી શકશે જયારે તાલીમ મેળવનાર વ્યક્તિએ ૭૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય. આ પ્રમાણપત્રનાં આધારે આરટીઓ દ્વારા ઉમેદવારની એકપણ પ્રકારની ટેસ્ટ લીધા વિના અધિકારીઓ દ્વારા ડ્રાઈવીંગ લાયસન્સ ઈસ્યુ કરી આપવામાં આવશે.
આરટીઓ સંસ્થા દ્વારા અપાયેલા પ્રમાણપત્રનાં આધારે જ ડ્રાઈવીંગ લાયસન્સ આપશે. જો કે તેમ છતાં સંસ્થાને ઉમેદવારનો રેકોર્ડ રાખવામાં આવશે જેને જરૂર પડે ત્યારે આરટીઓ ઈન્સ્પેકટર દ્વારા તપાસવામાં આવી શકે છે. જો કે, હાલ જે ડ્રાઈવીંગ સ્કુલ અસ્તિત્વમાં છે તેનાથી જેમણે ડ્રાઈવીંગ શીખ્યું છે તેઓને આરટીઓ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ આપવી પડશે. આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, આ નવા નિયમોનાં કારણે હાલ જે ડ્રાઈવીંગ સ્કુલ શરુ છે તે બંધ નહી થાય.
તેમણે ઉમેર્યુ કે માન્યતાપ્રાપ્ત ડ્રાઈવીંગ સ્કુલ આરટીઓનો બોજો હળવો કરશે તો બીજી તરફ ઉમેદવારોને પણ આરટીઓમાં પરીક્ષા આપ્યા વિના જ ડ્રાઈવીંગ લાયસન્સ મળી જશે જો આરટીઓ ખાતે ટેસ્ટમાં સામેલ થવું હોયતો આશરે ૪૫ દિવસ જેટલો સમય લાગે છે. તેથી ઉમેદવારને હવે રાહ નહી જોવી પડે. આરટીઓનાં અધિકારીઓ અનુસાર આરટીઓ ખાતેની ડ્રાઈવીંગ ટેસ્ટમાં ફોરવ્હીલ વાહનોની સફળતાની સરેરાશ ૩૦થી૩૫ટકા છે જયારે ટુવ્હીલર્સ માટે આ આંકડો ૭૦થી૮૦ ટકા છે.
રાજયમાં ૧ જુલાઈથી લાગુ કરાયેલા આ નવા દિશા-નિર્દેશો મુજબ ટ્રક સહીત ભારે વાહનોનાં પ્રશિક્ષણ માટે દરેક સંસ્થા પાસે બે એકર જમીન હોવી જોઈએ. જો કે પહાડી જીલ્લાઓમાં આ જગ્યા એક એકરમાં હશે તો ચાલશે.
આ માટેની તાલીમ સંસ્થા પાસે થિયરી કલાસ માટે ઓછામાં ઓછા બે ટેકનીકલ રૂમ હોવા જોઈએ જેમાં કમ્પ્યુટર અને મલ્ટીમીડીયા પ્રોજેકટર સહીતની સામગ્રી હોવી જોઈએ. અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ દ્વારા તાલીમ આપનાર ટ્રેનર પાસે ઓછામાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઈવીંગ અનુભવ હોવો જરૂરી છે.
ઉપરાંત તેણે કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર દ્વારા પ્રકાશિત કોઈપણ સંસ્થા દ્વારા મોટર મિકેનીકસ અથવા મીકેનીકલ એન્જીનીયર ક્ષેત્રમાં યોગ્યતા પ્રાપ્તિ માટે પ્રમાણપત્ર હોવું જોઈએ જેને રાજયને ટેકનીકલ શિક્ષા બોર્ડ હેઠળ માન્યતા પ્રાપ્ત હોય.તાલીમશાળા પાસે ઉમેદવારની બાયોમેટ્રીક વિગત હોવી ફરજીયાત છે. લાઈટ મોટર વ્હીકલ માટે તાલીમ શાળામાં જ અઠવાડીયાની તાલીમ લેવી જરૂરી છે જેમાં ફર્સ્ટ એડ તેમજ મીકેનીકલ ટ્રેનીંગનો પણ સમાવેશ કરવો જોઈએ.
હેવી વ્હીકલ માટે નાઈટ ડ્રાઈવીંગ ટ્રેનીંગ પણ આપવી જોઈએ. ડ્રાઈવીંગ લાયસન્સ માટે જરૂરી પ્રમાણપત્ર આપી શકતી સંસ્થાએ રાજય સરકાર દ્વારા નિર્દેશીત કરાયેલા તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
મંજૂરી માટે શરતોનું પાલન કરવું જરૂરી
ખાનગી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ ડ્રાઇવિંગ સ્કૂલ પાસે તેમની માલિકીની જમીન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ક્વોલિફાઇડ ટ્રેનર્સ હોવા જરૂરી છે. સ્કુલ માટે ઓછામાં ઓછી ૨ એકર જમીન હોવી જોઈએ. તમામ ટ્રેનર્સની બાયોમેટ્રિક વિગતો રજૂ કરવી પડશે. સ્કુલે સફળતાપૂર્વક ટેસ્ટ પાસ કરેલા કેન્ડીડેટના સર્ટિફિકેટ આરટીઓને મોકલવાના રહેશે.
લાઈટ મોટર વહિકલ માટે ટ્રેનિંગનો સમયગાળો ૪ સપ્તાહનો રહશે. ડ્રાઇવિંગ લાયસન્સ ઇચ્છુકોને પ્રાથમિક સારવાર અને મિકેનિકલ ટ્રેનિંગનું જ્ઞાન પણ આપવાનું રહેશે જ્યારે હેવી વહિકલ લાયસન્સ માટેની કલાસરૂમ ટ્રેનિંગનો સમયગાળો ૧૭ કલાકનો રહેશે તેમજ હેવી વહિકલ માટે રાત્રી ડ્રાઇવિંગની ટ્રેનિંગ પણ આપવી પડશે.