વિશ્ર્વકર્માએ જગન્નાથજીની મુર્તિ નિર્માણના અધુરા છોડેલા કાર્યની પ્રણાલીકાએ ચાલતા ભાવિકો અષાઢી સુદ બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વરસે જગન્નાથપુરી-ઓરિસ્સામાં (પૂર્વ ભારત) રથયાત્રા ધામધૂમથી નીકળે છે. રથયાત્રા અંગે ઘણી કથાઓ પુરાણોમાં મળી આવે છે. માળવાના રાજા ઈન્દ્રદ્યુમ્નને ભગવાન વિષ્ણુનું મંદિર બાંધવું હતું.
ભક્તિ, સમર્પણ, સેવા અને સાંસ્કૃતિક મુલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢી બીજે નીકળતી જગન્નાથપુરીની ભવ્ય રથયાત્રા
દેવતાઓના સ્થપતિ (ઇન્જિનિયર) વિશ્વકર્માએ સુથારના સ્વરૂપમાં આવીને મૂર્તિ તૈયાર કરવાનું કામ સ્વીકાર્યું, પણ એવી શરત મૂકી કે જ્યાં સુધી મૂર્તિ પૂરી નહીં બને ત્યાં કોઈએ જોવા આવવું નહીં કે બારણું ખોલવું નહીં. હું બારણા બંધ કરી મૂર્તિઓ ઘડીશ. મારું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી બારણા ખૂલશે નહીં. જો કોઈ બારણા ખોલશે તો હું ત્યારે જ ચાલ્યો જઇશ. છેવટે મૂર્તિઓ ઘડવાનું કામ બંધ બારણે શરૂ થયું. ઘણા મહિનાઓ વીતી ગયા. રાજા ઈન્દ્રધુમ્નની ધીરજ ખૂટી ગઈ. તેને થયું કે સુથાર શું કરે છે તે જોવું જોઈએ.
રાજાએ દ્વાર ખોલ્યું. અંદર વિશ્વકર્મા મૂર્તિ ઘડતા હતા. મૂર્તિઓના હાથ અધૂરા હતા અને છેવટનો ઘાટ આપવાનો પણ બાકી હતો. પરંતુ શરતભંગ થઈ તેથી કામ અધૂરું જ છોડી વિશ્વકર્મા અદશ્ય થઈ ગયા અને મૂર્તિઓ હાથપગ વગરની રહી ગઈ. રાજાને પસ્તાવો થયો, પરંતુ કોઈ ઉપાય નહોતો. વિશ્વકર્માના ભયથી અન્ય કોઈ આ દૈવીમૂર્તિઓ પૂરી કરવા તૈયાર ન થયા. છેવટે બ્રહ્મા મદદે આવ્યા અને હાથપગ વગરની મૂર્તિઓમાં પ્રાણ પૂર્યા અને રાજાએ તે મૂર્તિઓ મહામંદિરમાં પધરાવી.
દર વર્ષે આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિને ત્રણ ભવ્ય રથોમાં પધરાવીને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રામાં લાખોની જનમેદની ઊમટે છે અને આ ત્રણેય રથોને હજારો મનુષ્યો ભક્તિભાવથી ખેંચે છે. અને ધન્યતા અનુભવે છે. પુરીના રાજા સોનાના સાવરણાથી આગળ રસ્તો વાળતા આવે છે. મૂર્તિઓને ત્રણ કિ.મી. દૂર શ્રીગુંડિચા મંદિરે લઈ જવામાં આવે છે. જે ભગવાન જગન્નાથનું માસીનું ઘર ગણાય છે. અહીં ભગવાન સાત દિવસ રોકાય છે. પછી રથયાત્રા દ્વારા ભગવાનને ફરી મૂળ મંદિરે પધરાવાય છે.
આજે જે મંદિર છે તેનું નિર્માણ રાજા અનંગ ભીમદેવે સને 1166માં પૂર્ણ કરાવ્યું હતું. જે 161 ફૂટ ઊંચુ, 7 ફુટ લાંબુ અને એટલું જ પહોળું છે. મંદિરના મુખ્ય ત્રણ ભાગ છે. (1) શ્રી મંદિર (2) જગમોહન મંદિર અને (3) મુખશાલા ભગવાન જગન્નાથની રથયાત્રા વિષે ઘણી કથાઓ છે. ભગવાન કૃષ્ણને મારી નાખવાના હેતુથી કંસે અક્રૂરને રથ લઈને કૃષ્ણને બોલાવવા મોકલ્યા. કૃષ્ણ અને બલરામ બંને અક્રૂર સાથે રથ પર બેસી ગોપીઓની વિદાય લઈ મથુરા જવા નીકળ્યા તે દિવસને રથયાત્રાના ઉત્સવ તરીકે ભક્તો ઊજવે છે. તો બીજી એક કથા પ્રમાણે કંસવધ પછી આખી મથુરા નગરીને દર્શન આપવા માટે શ્રીકૃષ્ણ-બલરામ નગરીમાં નીકળા હતા તેની સ્મૃતિ પણ આ ઉત્સવ સાથે જોડાયેલી છે. વળી એકવાર સુભદ્રાને રથમાં બેસાડી બંને ભાઈઓએ તેને દ્રારિકાની નગરશોભા દેખાડી હતી તે પ્રસંગની સ્મૃતિ પણ રથયાત્રા સાથે જોડાયેલી છે.
પ્રાસંગિક : પ્રદિપ ખીમાણી,સંચાલક: સરસ્વતી સ્કૂલ