ગુજરાતમાં ચાલુ સાલ નૈઋત્યના ચોમાસાનું વહેલુ આગમન થઈ ગયું હતું. જો કે ગત 19મી જૂનથી મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા હાલ આગોતરી વાવણી કરી દેનાર ખેડૂતો પર બીયારણ નિષ્ફળ જવાનું જોખમ જળુંબી રહ્યું છે. આવામાં સિંચાઈના પાણી માટે જગતાતને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કિસાન હિતલક્ષી નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યભરમાં ખેડૂતોને સિંચાઈ માટે 8 ના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે.
આજે બપોરે રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, હાલ ગુજરાતમાં વરસાદ ખેંચવાની સ્થિતિમાં ખેડૂતોનું બિયારણ નિષ્ફળ ન જાય અને સિંચાઈના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યમાં આવતીકાલથી ખેડૂતોને દૈનિક 8ના બદલે 10 કલાક વીજળી સિંચાઈ માટે આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યભરના ખેડૂતોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.
હાલ સિંચાઈ માટે પુરતી વીજળી ઉપલબ્ધ ન થવાના કારણે ઘણા કિસ્સામાં વાવણી નિષ્ફળ જાય તેવી દહેશત ઉભી થવા પામી છે ત્યારે સિંચાઈ માટે 2 કલાક વધુ વીજળી આપવાની જાહેરાતથી ખેડૂતોને થોડીઘણી રાહત થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થતું હોય છે પરંતુ આ વખતે રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું વહેલુ આગમન થઈ ગયું હતું અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસ્યો હોવાના કારણે ખેડૂતોએ હોંશભેર વાવણી કરી દીધી હતી. જ્યારે તાઉતે વાવાઝોડાએ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ વરસાવી દીધો હતો જેના કારણે પણ મોટાભાગના જિલ્લામાં વાવણીકાર્ય પૂર્ણ
થઈ ગયું છે.
વહેલા ચોમાસાના આગમનના કારણે વાવણી કરી દેનાર ખેડૂતો વરસાદ ખેંચાતા મુંઝવણમાં મુકાઈ ગયા છે. આવામાં તેઓ પર હવે વાવણી નિષ્ફળ જાય તેવી દહેશત પણ જળુંબી રહી છે ત્યારે સિંચાઈના પાણી માટે કોઈ સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી ખેડૂતોને દૈનિક 8 ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અમલવારી કાલથી કરી દેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. રાજ્યભરના ખેડૂતોએ મુખ્યમંત્રીના આ નિર્ણયને હોંશભેર વધાવી લીધો હતો. મુરઝાતી મૌલાતને મેઘરાજા નવજીવન આપે તે પૂર્વે મુખ્યમંત્રીએ મૌલાતને બચાવવા એક કિસાનલક્ષી નિર્ણય લીધો છે.
આગામી સપ્તાહથી રાજ્યભરમાં ચોમાસાની સીસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આવતા સપ્તાહે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સંતોષકારક વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. ત્યારે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે.