ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી વધુ ૪નાં મોત ૯ મહિનામાં કુલ મૃત્યુઆંક ૩૭૭ -‘સ્વાઇન ફ્લૂ નિયંત્રણ હેઠળ આવવામાં જ છે’: સરકારનો પોકળ દાવો યથાવત્
-અમદાવાદમાં સ્વાઇન ફ્લૂથી વધુ બેનાં મૃત્યુ:સ્વાઇન ફ્લૂથી પ્રતિ મહિને સરેરાશ ૪૨ લોકો જીવ ગુમાવે છે
ગુજરાત સરકાર દ્વારા સ્વાઇન ફ્લૂ અંગે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે ઘણો મોટો ફરક હોય તેમ જણાય છે. આજે ગુજરાતમાંથી સ્વાઇન ફ્લૂને લીધે છેલ્લા ૨૪ કલાકમાં ‘સત્તાવાર’ રીતે વધુ ચાર લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ગુજરાતમાં ૨૦૧૭ના વર્ષમાં સ્વાઇન ફ્લૂથી કુલ મૃત્યુઆંક ૩૭૭એ પહોંચી ગયો છે.
આ ઉપરાંત અમદાવાદમાંથી આજે વધુ બે વ્યક્તિએ સ્વાઇન ફ્લૂ સામે જીવનની બાજી ગુમાવી દીધી છે. ૧ જાન્યુઆરીથી ૫ સપ્ટેમ્બર એમ નવ મહિનામાં કુલ ૫૭૯૦ કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે. આમ, ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના પ્રતિ માસ સરેરાશ ૬૪૩ કેસ નોંધાય છે અને સરેરાશ ૪૨ લોકો પોતાનો જીવ ગુમાવે છે.
ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર રાજ્યમાં અગાઉ રોજના ૨૫૦ કેસ નોંધાતા હતા, જે હવે ઘટીને સરેરાશ ૧૫૦ થઇ ચૂક્યા છે. મંગળવારે ૨૨૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ૧૪૭૬ દર્દીઓ સ્વાઇન ફ્લૂને મા’ત આપી ચૂક્યા છે.
આ વર્ષે અત્યારસુધી કુલ ૪૬૫૫ દર્દીઓ સ્વાઇન ફ્લૂ સામે સાજા થયા છે. આશરે ૬૩ લાખની વસતિનું ૧૪ હજાર જેટલી મેડિકલ ટીમ દ્વારા દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વે દરમિયાન ૯૦૦ જેટલા લોકોને કેપ ઓસેલ્ટામીવીર દ્વારા રક્ષણ આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લૂની સ્થિતિમાં સુધારો થયો નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક યાદીમાં જણાવ્યું હતું કે ‘છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૩૯ નવા કેસ નોંધાયા છે અને બે ના મૃત્યુ થયા છે. મંગળવારે કુલ ૫૨ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
અત્યારસુધી કુલ ૧૭૮૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલમાં કુલ ૧૬ દર્દીઓ વેન્ટિલેટર ઉપર, ૧૩ દર્દી બાય-પેપ, ૨૨ દર્દી ઓક્સિજન ઉપર અને ૧૧૫ દર્દી સ્ટેબલ છે. હાઉસ ટુ હાઉસ સર્વેમાં કુલ ૨૫.૨૦ લાખ ઘરનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાંથી ૨૨૨૩૮ શંકાસ્પદ કેસ પૈકી કેટેગરી-બીના કુલ ૫૨૮ દર્દીઓને સારવાર અપાઇ હતી.