અબતક, રાજકોટ
સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારમાં ટનાટન તેજી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો 38 પૈસા જેટલો મજબૂત બન્યો હતો. જેના કારણે બજારમાં તેજી રહ્યાંનું મનાઈ રહ્યું છે. નિફટી ઉપરાંત બેંક નિફટીમાં પણ તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર ચાલુ રાખતા સવારથી શરૂ થયેલી તેજી દિવસભર જળવાઈ રહેવા પામી હતી.
આજે પ્રથમ ટ્રેડીંગ સેશનમાં મુંબઈ શેરબજારમાં બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ તથા નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ઈન્ટ્રાડેમાં સેન્સેકસે 52880ની સપાટી હાસલ કરી હતી.
તો નિફટી પણ આજે 15834ની સપાટીએ પહોંચી હતી. બેંક નિફટીમાં પણ તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં પોઝીટીવ માહોલ રહેવા પામતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. આગામી દિવસોમાં પણ તેજી બરકરાર રહે તેવું જાણકારો માની રહ્યાં છે. આજની તેજીમાં હિંદાલકો, ટાટા સ્ટીલ, લાર્સન અને એચડીએફસી બેંક જેવી કંપનીના ભાવોમાં 3.5 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા અને બીપીસીએલ, સીપલા જેવી કંપનીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બુલીયન બજારમાં પણ તેજી દેખાઈ હતી. સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 38 પૈસા જેટલો મજબૂત બન્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 395 પોઈન્ટના ઉછાળા સાથે 52880, નિફટી 112 પોઈન્ટના ઉછાળા સાથે 15834 પર કામકાજ કરી રહી છે. બેંક નિફટીમાં પણ 375 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 38 પૈસાની તોતીંગ મજબૂતાઈ સાથે 74.36 પર કામકાજ કરી રહ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે શરૂ થયેલી તેજી આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેવું જાણકારો માની રહ્યાં છે.