ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનેક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પીજી સાયન્સ અને કોમર્સમાં હાયર પેમેન્ટ બેઠકો અપાઈ છે ત્યારે વિદ્યાર્થીઓ બેઠકોના અભાવે નાછુટકે ઊંચી ફીમાં ભણવા મજૂબર થયા છે.
એક જ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં,એક જ કોર્સમાં , એક જ વર્ગમાં અને એક જ અધ્યાપક હેઠળ ભણતા તથા એક જ લેબ સહિતની સરખી સુવિધાઓ વાપરતા વિદ્યાર્થીઓોમાંથી કેટલાકે ઓછી ફી ભરવાની તો કેટલાકે ઊંચી ફી ભરવાની.આમ વિદ્યાર્થીઓએ જુદી જુદી ફી ભરવી પડતી હોઈ સરકારનું આ તો કેવુ શિક્ષણ છે?તેવી ફરિયાદો હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉઠી છે.
સરકાર જ હવે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો બંધ કરાવી અને ખાનગી શિક્ષણને વેગ આપી રહી હોઈ તેમ ગુજરાત યુનિ.સહિત રાજ્યની ઘણી સરકારી યુનિ.ઓની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો તથા યુનિ.ઓમાં જ સેલ્ફ ફાઈનાન્સ કોર્સીસ ચાલુ થઈ ગયા છે અને સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજોમાં હાયર પેમેન્ટની ફી સાથે બેઠકો વધારવામા આવી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો ગુજરાત યુનિ.ની મોટા ભાગની સરકારી અને ગ્રાન્ટેડ સાયન્સ અને કોમર્સ કોલેજોમાં પીજી સાયન્સ તથા પીજી કોમર્સ એટલે કે એમએએસસી અને એમ કોમ હાયર પેમન્ટ ફીની બેઠકો સાથે ચાલે છે.જ્યારે અમદાવાદની ખોખરા ખાતેની સરકારી સાયન્સ કોલેજ એવી કે.કા.શાસ્ત્રી કોલેજમાં તો બીએસસી અને એમએસસી સંપૂર્ણપણે ખાનગી ફીમાં ચાલે છે.જેમાં એક સેમેસ્ટરની ફી ૧૩થી૧૫ હજાર છે.
આ ઉપરાંત સાયન્સ અને કોમર્સમાં એમ.એસસી તથા એમ.કોમમાં ગ્રાન્ટેડ કોલેજોમાં આ વર્ષે ઘણી કોલેજોને હાયર પેમેન્ટની બેઠકો આપવામા આવી છે.જેમાં ગ્રાન્ટેડની ફી એકથી બે હજાર છે જ્યારે હાયર પેમેન્ટની બેઠકોમાં ૧૦થી૧૫ હજાર ફી લેવાય છે.
મહત્વનું છે કે એક જ ગ્રાન્ટેડ કોલેજમાં એક જ વર્ગમાં અને એક જ અધ્યાપક હેઠળ ભણતા વિદ્યાર્થીઓને હાલ જુદી જુદી ફી ભરવી પડી રહી છે.જ્યારે બીજી બાજુ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો પણ ઓછી હોવાથી વિદ્યાર્થીઓ પણ નાછુટકે હાયર પેમેન્ટની બેઠકોમાં ઉચી ફી ભરીને ભણવા મજબૂર છે.
કોલેજો સરકારમાંથી પીજીની ગ્રાન્ટ ન આવતી હોવાની ફરિયાદ સાથે યુનિ.પાસેથી હાયર પેમેન્ટની બેઠકો માંગે છે અને યુનિ.પણ હાયર પેમેન્ટ બેઠકોને પ્રોત્સાહન આપતી હોઈ મંજૂરી આપી દે છે.કોલેજો બહારથી અધ્યાપકો બોલાવવાની રજૂઆત સાથે બેઠકો લઈ લે છે પરંતુ અધ્યાપકો બહારથી લવાતા નથી અને ગ્રાન્ટેડના જ અધ્યાપકો હાયર પેમેન્ટની બેઠકોના વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વિરોધ છે કે સરકારનું આ તો કેવુ શિક્ષણ ?કોલેજથી માંડી વર્ગો અને અધ્યાપકો તથા લેબ સહિતની તમામ સુવિધા સરખી પણ વિદ્યાર્થીઓની ફી જુદી જુદી લેવાય છે.જો વિદ્યાર્થીઓ થોડા માર્કસ માટે નીચા મેરિટમા આવે તો તેઓએ હાયર પેમેન્ટની બેઠકોમાં પ્રવેશ લેવો પડે છે અને ઊંચી ફી ભરવી પડે છે.જે એક વર્ગમાં ભણતા સમાન કોર્સના વિદ્યાર્થીઓ વચ્ચે મોટી અસમાનતા ઉભી કરે છે.