ચોમાસાની શરૂઆતમાં અમી છાંટણા કર્યા બાદ મેઘરાજા રિંસાઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં તો જાણે ઉનાળો હોય એવો અનુભવ થઇ રહ્યો છે. બીજી બાજુ વરસાદ ખેંચાતા જગતનો તાત પણ માથે હાથ દઇ આકાશ તરફ મીટ માંડી બેસી ગયો છે. વહેલી વાવણી કરી લીધા બાદ વરસાદે દગો દેતા પાક બળી જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. એટલું જ નહીં આખા ગુજરાતમાં પાણી પહોંચી જીવ રેડતાં નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયાના માઠા સમાચાર સામે આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા સાત દિવસમાં 2.06 મીટર ઘટીને 113.30 મીટરે પહોંચી ગઇ છે. વરસાદ ખેંચાતા જળાશયમાં પાણીની આવક ઓછી થઇ ગઇ છે. હાલ નર્મદા ડેમમાં 34 હજાર કરોડ લીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે. તો હાલ નર્મદા ડેનાલમાં 4 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. સરકારી આંકડા પ્રમામે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી એક મહિનામાં 10 મીટર ઘટી ગઇ છે. પાણીની આવક ઘટી જતાં ડેમના 1200 મેગાવોટ ક્ષમતાના રીવરબેડ પાવરહાઉસ બંધ કરવાની ફરજ પડી છે. આ પાવરહાઉસ બંધ થવાને કારણે વીજ ઉત્પાદન બંધ થઇ ગયું છે જેના કારણે સરકારને કરોડો રૂપિયાની ખોટ પડી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી વિધિવત ચોમાસું ગણાય છે. 4 મહિનાના આ સમયગાળા દરમિયાન વચ્ચે વચ્ચે એક કે બે સપ્તાહ સુધી વરસાદે વિરામ લીધો હોય તેવું પણ બને છે. આ વિરામને મોનસૂન બ્રેક કહેવામાં આવે છે. ચોમાસાના આ વિરામ પાછળ જુદા જુદા કારણો જવાબદાર હોય છે. વાત અત્યારસુધી પડેલા વરસાદની કરીએ તો ગુજરાતમાં આ વર્ષે અત્યારસુધી મોસમનો સરેરાશ 14.63 ટકા વરસાદ નોંધાયો છે. પ્રારંભીક વરસાદ બાદ ખુશ થઇને ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું પરંતુ મેઘરાજાએ બ્રેક લગાવતા ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.