સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી વાસણભાઇઆહિરે કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓ તથા કોરોના સંબંધિત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મંત્રી વાસણભાઇએ રાજકોટ જિલ્લાના નગરપાલિકા, પંચાયત તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ હાઉસિંગ યોજના, શૌચાલય નિર્માણ, “મનરેગા” રાવણા હક કબજા ભોગવટા, “સૌની” યોજના, સિંચાઈનું પાણી, પી.જી.વી.સી.એલ., ગુજરાત ગેસ, કિસાન સૂર્યોદય, સોલાર સહિતની વિવિધ વિભાગોની અમલીકૃત યોજનાઓ અંતર્ગત થઈ રહેલા તબક્કાવાર કામોની વિગતવાર જાણકારી મેળવી હતી, અને પ્રગતિમાં રહેલા વિકાસકામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી. એ.ટી.વિ.ટી. અને આયોજન વિભાગની ગ્રાન્ટનો પૂર્ણ વપરાશ થાય, તેવું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.
શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટ જિલ્લામાં પ્રવર્તતી કોરોનાની પરિસ્થિતિથી મંત્રી વાસણભાઇ આહિરને વાકેફ કર્યા હતા. કોરોના સંદર્ભેની માર્ગદર્શિકાનું પાલન ન કરતા નાગરિકો સામે દંડનીય કાર્યવાહી કરવા તેમણે પોલીસ વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. ગ્રામ્ય વિસ્તારના માર્કેટિંગ યાર્ડ, સહકારી મંડળીઓ તથા દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવા મંત્રીએ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીનાને આદેશો આપ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાઇ રહેલી રસીકરણની કામગીરીની વિગતો મંત્રી વાસણભાઇ આહિર સમક્ષ રજૂ કરી હતી. મંત્રી વાસણભાઇએ શહેરી વિસ્તારોમાં લગાવાયેલા કોરોના જાગૃતિ સંદર્ભે હોર્ડિંગ્સની ચકાસણી કરવા પણ મહાનગર પાલિકાના અધિકારીઓને સુચના આપી હતી.
રાજકોટ ખાતે સ્થપાનારી એઈમ્સની કામગીરીની વિગતો પણ મંત્રી વાસણભાઈએ મેળવી હતી અને સત્વરે એઈમ્સને કાર્યાન્વિત કરવા સંબંધિત અધિકારીઓને ટકોર કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, અગ્રણીઓ નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલા અને મનસુખભાઈ રામાણી, એડિશનલ કલેક્ટર એન. આર. ધાધલ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તથા વીરેન્દ્ર દેસાઈ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.