વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટે એક માત્ર રસીકરણ જ હાથવગુ હથિયાર છે. બીજી લહેર બાદ લોકોમાં વેક્સિનેશન માટે સ્વયંભુ જાગૃતતા આવી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ વેક્સિન લેવા માટે સતત લોકોને અપીલ કરવી પડતી હતી. આ ઉપરાંત વેક્સિનેશનની કામગીરી વેગવંતી બને તે માટે સતત જ્ઞાતિવાઈઝ કેમ્પો પણ યોજવા પડતા હતા. હવે કોરોનાને હરાવવા માટે લોકો જાગૃત બની ગયા છે.
છેલ્લા કેટલાંક દિવસોથી શહેરમાં વેક્સિનેશન સેન્ટરો પર સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળે છે. જો કે થોડી ઘણી અવ્યવસ્થાના કારણે લોકોએ હાલાકી પણ ભોગવવી પડે છે. સામાન્ય રીતે કોઈપણ લાઈનના દ્રશ્યો સારા કહેવાતા હોતા નથી પરંતુ રસીકરણ માટે જે લાઈનો લાગી રહી છે તે સુખદ આંચકારૂપ છે. આજે સવારથી શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરો પર લોકોની કતારો જોવા મળી હતી.
ગઈકાલે રાજકોટને કોવિશિલ્ડ વેક્સિનના 9000 ડોઝ અને કો-વેક્સિનના 11000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા. આજે અંદાજે 40 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. સાંજ સુધીમાં 8000થી વધુ લોકોને કોરોનાની રસી આપી સુરક્ષીત કરવાના લક્ષ્યાંક સાથે મહાપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બપોર સુધીમાં 4368 લોકોને વેક્સિન આપી દેવામાં આવી હતી. કોઈ માથાકૂટ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે સેન્ટરો પર વીજિલન્સ અને એસઆરપી ગોઠવી દેવામાં આવી છે. રસીકરણમાં જે લોકોમાં સતર્કતા વધી છે તે ખરેખર ખુબ સારી બાબત છે. જો તમામ લોકો વેક્સિન લઈ લેશે તો કોરોના નામનો રાક્ષસ આપો આપ નાશ પામશે.