પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાના પગલે વાહન ચાલકો બાયો ડિઝલનો ઇંધણ તરીકે ઉપયોગ કરતા પદુષણ ફેલાતું હોવાથી ગઇકાલે જ અનઅધિકૃત રીતે ચાલતા બાયો ડિઝલના વેચાણ પર દરોડા પાડવા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ આપેલા આદેશના પગલે રાજકોટ તાલુકા મામલતદારની ટીમે ઘંટેશ્ર્વર પાસેથી રૂા.4.57 લાખની કિંમતના 7524 લિટર બાય ડિઝલનો જથ્થો સીઝ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર આવેલી સરિતા વિહાર સોસાયટીમાં રહેતા મયુરસિંહ અજીતસિંહ રાણા નામનો શખ્સ ઘંટેશ્ર્વર પાસે બાયો ડિઝલનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે તાલુકા મામલતદાર કાંતીલાલ મોહનભાઇ કથીરીયાની ટીમ દરોડો પાડી રૂા.4.57 લાખની કિંમતની 7524 લિટર બાયો ડિઝલ મળી આવ્યું હતું.
મયુરસિંહ રાણા શિવ શક્તિ એન્ટર પ્રાઇઝ નામની પેઢી શરૂ કરી બાયો ડિઝલના નામે અને ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ કરતી ખરીદ વેચાણ અંગેના બીલ ન રાખી, સ્ટોકનો હિસાબ ન રાખ્યો હોવાથી 7524 લિટર પેટ્રોલિયમ પદાર્થ સીઝ કર્યો છે.
સરકારની મંજુરી વિના અનઅધિકૃત રીતે પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ કરતા મયુરસિંહ રાણા પાસે સ્ટોરે અંગેનું કોઇ પણ પ્રકારનું લાયસન્સ પણ ન હોવાથી બેદરકારી દાખવી હોવાથી તેની સામે ભારત સરકારના મોટર સ્પીરીટ અને હાઇસ્પીડ ડિઝલ રેગ્યુલેસન ડીસ્ટ્રીબ્યુશન એન્ડ પિવેન્સ ઓફ માલ પ્રેકટીસ 2005નો ભંગ કરી વાહનમાં ઇંધણ તરીકે વેચાણ કરતા યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ.બી.જાડેજા સહિતના સ્ટાફે આવશ્યક ચિજ વસ્તુ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.