બાવન પત્તાનો તાસ બાજી અને મનોરંજનની સાથેસાથે સાહસવૃતિ અને સારી રીતે સમય પસાર કરવાનું એક આદર્શ માધ્યમ આજે જુગારને કારણે જ સમાજમાં વગોવણીનું પાત્ર બની ગયું છે. માનવ સંસ્કૃતિ જ્યારથી સમજદાર થઇ હશે ત્યારની પ્રથમ રમત તરીકે બાવન પત્તાનો ઉદય થયો હશે. દુનિયાની સૌથી લોકપ્રિય રમત પત્તા બની ગઇ છે. કાઠિયાવાડમાં ગંજીપો ખૂબ પ્રચલિત છે. વર્ષો પહેલા આનંદ, મનોરંજન માટે રમાતી રમત આજે જુગાર બદી બનીને વગોવાઇ રહી છે પરંતુ બાવન પત્તાનો પણ એક આગવો સંબંધ કેલેન્ડર સાથે છે.
વર્ષના બાવન અઠવાડિયા ચાર કલર સાથે ચાર ઋતુને જોડી શકાય. પ્રાચીન ઇજીપ્તમાં કેલેન્ડરની રચના થઇ હતી. બાવન પત્તા સાથે જોકરનો ઉદય પણ સાંકેતીક માનવામાં આવે છે. બધા જ પાનાનો મૂલ્યનો સરવાળો 364 થાય તેમાં એક જોકરનો ઉમેરો કરો તો વર્ષના 365 દિવસનો અંક મળે છે. ગંજીપત્તા નવરાશની પળો ગાળવા માટે મિત્રો વચ્ચે સ્પર્ધા, સાહસવૃતિ અને તર્કશક્તિની સાથે સાથે ત્વરીત નિર્ણય શક્તિને ઉજાગર કરનારી કૌશલ્ય ખિલવનારી રમત તરીકે માનવ સંસ્કૃતિમાં લાંબા સમયથી ખૂબ જ પ્રચલિત છે.
બાવન પત્તાનો ઇતિહાસ પણ 1300મી સદી સાથે જોડાયેલો છે. અલબત્ત જેમ-જેમ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો અને માણસ હોશિંયાર થતો ગયો એમ સાત્વિક મનોરંજન અને વર્ષના ઋતુચક્રના અંક સામ્ય ધરાવતાં બાવન પત્તાની આ રમત સંપૂર્ણપણે બરબાદીને નોતરતી જુગારની બદી વણાઇ ગઇ. બાવન પત્તાની તીનપત્તીની રમત ત્વરિત નિર્ણય શક્તિ હરિફોને મ્હાત આપવાની સજાગતાં અને વિજેતા બનવાની કવાયત, પ્રેક્ટીસ જેવી તીનપત્તીની રમત જો કે ભારતમાં અનેક રીતે પ્રચલીત બનીને રમાતી આવી છે.
છેવાડાના લોકો શ્રમિક-ગરીબ અને જીવનમાં સારા અવસરની રાહ જોતાં હજારો-લાખો લોકો માટે કાયમી ધોરણે કંઇક થશેની આશા બંધાવનાર મુંબઇની હાજરવરલી મટકામાં ત્રણ પત્તાનું ખૂબ જ મહત્વ રહેતું આવ્યું છે. વિઠ્ઠલ તીડી જેવા પાત્રો અમેરિકાના રોબિન વૂડની જેમ ભારતીય જન જીવનમાં પ્રસ્થાપિત થયાં છે.તે બાવન પત્તાની દેણ જ ગણાય છે. જુગારની ગઇકાલ, આજ અને આવતીકાલમાં બાવન પત્તા હંમેશા મહત્વના રહેશે. આજે પણ આધુનિક કોમ્પ્યૂટર યુગમાં ઓનલાઇન પત્તાની રમત રમાવા લાગી છે. અનેક હિન્દી ફિલ્મો પણ જુગાર ઉપર બની ગઇ. જુગાર સાથે અનેક તહેવારો પણ વણાઇ ચુક્યા છે.
સંસ્કારી, ભદ્ર પરિવારજનો પોતાના બાળકોને બાવન પત્તાથી દૂર જ રાખે છે. પરંતુ બાવન પત્તાનો ઇતિહાસ તેના સંકેતો તેના સદ્ઉપયોગ બાવન પત્તાનો સરવાળો ગુલામ, રાણી, બાદશાહ, એક થી દસની સાથે જોકરનું મહત્વ જો જીવનમાં સમજાય જાય તો પ્રત્યેક વ્યક્તિ બાજીગર બની જાય. બાવન પત્તાને જુગારની રીતે નહીં મનોરંજન, સાત્વીક આનંદ, મૈત્રીભાવ સાથે વિતાવાનો અવસર અને બાજી જીતવાની ત્વરીત નિર્ણય શક્તિ જેવા ગુણ વિકસાવવા માટે બાવન પત્તાનો શોખ માણસને જુગારી નહીં પણ પ્રેક્ટીકલ બનાવી શકે છે.
કમનસીબીએ જુગાર માટે હાથવગુ બની ગયેલું બાવન પત્તાનો તાસ તેના દૂરઉપયોગથી અત્યારે વગોવણીનું પાત્ર બની ગયું છે. ખરેખર બાવન પત્તાનો તાસ માનવ સંસ્કૃતિના વિકાસમાં અનેક રહસ્યોનું દસ્તાવેજ પણ છે. તીનપત્તીની રમત જુગાર નહીં પણ સાહસ અને ત્વરિત નિર્ણય શક્તિ ઉજાગર કરનારી છે. જીવનમાં જેને ગંજીપો (મુશ્કેલીઓના નિવારણનો રસ્તો કાઢતા) ચીપતાં આવડી જાય તે બાજીગર બની જાય.